આંતરરાષ્ટ્રીય: દુનિયાભરમાં ચોરાયેલી ગાડીઓની તસ્કરી કરતા નેટવર્ક સામે ઇન્ટરપોલે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ટરપોલના નેતૃત્વમાં હાથ ધરાયેલા આ આંતરરાષ્ટ્રીય અભિયાનમાં 65 દેશોની પોલીસ અને તપાસ એજન્સીઓ સામેલ થઈ હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 688 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચોરીની 2,394 ગાડીઓ અને તેના 1,891 તેનો કાટમાળ જપ્ત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ડ્રગ્સ, રોકડ રકમ અને હથિયારો પણ કબજે કરવામાં આવ્યાં છે. કાર્યવાહી દરમિયાન 30 સંગઠિત ગુનાહિત ગેંગનું નેટવર્ક તોડવામાં આવ્યું છે, જ્યારે અન્ય ગેંગ સામે તપાસ ચાલુ છે.

ઓપરેશન કારબેક-2' હેઠળ કાર્યવાહી

ઇન્ટરપોલે આ આંતરરાષ્ટ્રીય અભિયાનને 'ઓપરેશન કારબેક-2' નામ આપ્યું હતું. 28 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 દરમિયાન હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં યુરોપિયન સરહદ સુરક્ષા એજન્સી ફ્રોન્ટેક્સે પણ સહયોગ આપ્યો હતો.

ચોરાયેલી ગાડીઓની તસ્કરી અટકાવવાનો હેતુ

આ અભિયાનનો હેતુ ચોરાયેલી ગાડીઓની તસ્કરી અટકાવવાનો, આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવાનો અને ચોરાયેલી ગાડીઓનો અન્ય ગંભીર ગુનાઓમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે જાણવાનો હતો.

ઇન્ટરપોલના ડેટાબેઝમાં 15 લાખથી વધુ વાહનોની તપાસ

ઓપરેશન દરમિયાન વિવિધ દેશોમાં વાહનો, મુસાફરો અને માલવાહક વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. ઇન્ટરપોલના ડેટાબેઝમાં 15 લાખથી વધુ વાહનોની શોધ કરવામાં આવી, જેમાં 1,180 કિસ્સામાં શંકાસ્પદ રેકોર્ડ મળ્યા હતા.

4 લાખ 80 હજારથી વધુ વાહનોનાં રજિસ્ટ્રેશનની તપાસ 

ચોરાયેલા વાહનોના ડેટાબેઝના આધારે 4 લાખ 80 હજારથી વધુ વાહનોનાં રજિસ્ટ્રેશનની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચોરાયેલી ગાડીઓનો ઉપયોગ માત્ર વેચાણ માટે જ નહીં, પરંતુ ડ્રગ્સ, હથિયારો અને અન્ય ગેરકાયદે સામાનની હેરફેર માટે પણ થાય છે.

ગ્રીસ, જર્મની અને આર્જેન્ટિનામાં કાર્યવાહી

ગ્રીસમાં પોલીસે ફ્રાન્સના રજિસ્ટ્રેશન નંબર ધરાવતી 3 શંકાસ્પદ ગાડીઓ પકડી હતી. તપાસમાં તેમના દસ્તાવેજો નકલી હોવાનું સામે આવ્યું હતું. આ ગાડીઓ ભાડે લેવામાં આવી હતી અને આરોપીઓ તેમને યુરોપિયન યુનિયનની બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ગુનાહીત કામગિરીમાં ઉપયોગ

જર્મનીમાં ચોરીની નંબર પ્લેટ ધરાવતી એક ગાડી રોકવામાં આવી હતી. તેની તપાસ દરમિયાન રબરની હોડી અને ચોરી કરાયેલી હોડીની મોટર મળી આવી હતી. આરોપીના મોબાઇલની તપાસમાં તેનો સંબંધ ગેરકાયદે રીતે લોકોને અન્ય દેશોમાં મોકલતા નેટવર્ક સાથે હોવાનું જાણવા મળ્યું હતું. આર્જેન્ટિનામાં ગિયરબોક્સ, બ્રેક ડિસ્ક અને એન્જિન બ્લોક સહિત આશરે 360 ગાડીઓનો કાટમાળ પણ જપ્ત કરવામાં આવ્યો હતો

નિકારાગુઆ અને વેનેઝુએલામાં પણ ખુલાસા

નિકારાગુઆમાં પોલીસે એવી ગેંગનો પર્દાફાશ કર્યો હતો, જે ભાડે મોટરસાઇકલ લઈને તેના વેચાણના નકલી દસ્તાવેજો તૈયાર કરતી હતી. દસ્તાવેજો પર માલિકોની નકલી સહી કરીને મોટરસાઇકલ ગીરવે મૂકવામાં આવતી અથવા ફરીથી વેચવામાં આવતી હતી. વેનેઝુએલામાં પણ એવી અનેક ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી, જેનો સંબંધ ડ્રગ્સની તસ્કરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ સાથે હતો.

જીપીએસથી ચોરાયેલી ગાડીઓની ભાળ મળી

આ ઓપરેશનમાં વિવિધ દેશોની પોલીસે રિયલ ટાઇમ ગુપ્ત માહિતી અને જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. મોરિટાનિયામાં ફ્રાન્સમાંથી ચોરાયેલી ટોયોટા કાર મળી આવી હતી. પોર્ટુગલમાંથી ચોરાયેલી 2 ગાડીઓ સેનેગલ અને નાઇજીરિયાની એજન્સીઓએ શોધી કાઢી હતી. બોલિવિયામાં આર્જેન્ટિનામાંથી ચોરાયેલી કારને જીપીએસ દ્વારા ટ્રેક કરીને પકડી લેવામાં આવી હતી. જ્યારે કેનેડામાંથી ચોરાયેલી 2 મોંઘી ગાડીઓ મોરોક્કોના ટેન્જિયર બંદરેથી પસાર થતી વખતે જપ્ત કરવામાં આવી હતી.

યુરોપમાં અલગ અભિયાનમાં 334ની ધરપકડ

ઇન્ટરપોલની કાર્યવાહી સાથે ફ્રોન્ટેક્સે યુરોપમાં અલગથી 'જોઇન્ટ એક્શન ડેઝ મોબાઇલ-9' અભિયાન પણ ચલાવ્યું હતું. આ અભિયાનમાં વધારાની 710 ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી અને 334 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

સંગઠિત ગુનાઓમાં ઉપયોગ કરાતો હતો

ઇન્ટરપોલના જણાવ્યા અનુસાર, વિશ્વના 196 સભ્ય દેશો વચ્ચે ગુનાહિત માહિતીની આપ-લે અને આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દ્વારા આવા નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે ચોરાયેલી ગાડીઓનો ઉપયોગ હવે માત્ર વાહન ચોરી પૂરતો સીમિત નથી, પરંતુ ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી, માનવ તસ્કરી સહિતના સંગઠિત ગુનાઓમાં પણ થઈ રહ્યો છે.  


આ પણ વાંચો :   Cyclone Akvan : અલ નીનોની અસરથી ‘અકવાન’નો માર્ગ બદલાયો, 80ની ઝડપે લેન્ડફોલ