અમેરિકામાં ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન એક 5 વર્ષના બાળકને તેના પિતાની સાથે અટકાયતમાં લેવાની ઘટનાએ માનવાધિકાર અને નીતિ અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ ઘટનાને “ખોટો રસ્તો” ગણાવીને કડક પ્રતિક્રિયા આપી છે.
શું છે સમગ્ર ઘટના?
અમેરિકાના મિનિયાપોલિસ નજીક આવેલા કોલંબિયા હાઇટ્સ વિસ્તારમાં ફેડરલ ઇમિગ્રેશન એજન્ટોએ 5 વર્ષના બાળક લિયામ કોનેજો રામોસ અને તેના પિતાને અટકાયતમાં લીધા હતા. આ ઘટના મંગળવાર બપોરે બની હતી, જ્યારે એજન્ટો પરિવારના ઘરના ડ્રાઇવ વેમાં પાર્ક કરેલી કાર પાસે પહોંચ્યા હતા.
પબ્લિક સ્કૂલ્સના સુપરિન્ટેન્ડેન્ટનું નિવેદન
કોલંબિયા હાઇટ્સ પબ્લિક સ્કૂલ્સના સુપરિન્ટેન્ડેન્ટ જેના સ્ટેનવિકના જણાવ્યા મુજબ, એજન્ટોએ બાળકને પૂછ્યું કે ઘરમાં બીજાં કોઈ લોકો છે કે નહીં. શાળા અધિકારીઓનો આરોપ છે કે આ દરમિયાન બાળકનો ઉપયોગ “જાળ બિછાવવા” માટે કરવામાં આવ્યો, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
મિનિયાપોલિસમાં ચોથી ઘટના
શાળા અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલી ઘટના નથી. છેલ્લા થોડા અઠવાડિયામાં મિનિયાપોલિસના ઉપનગર વિસ્તારમાં પાંચ વર્ષના બાળકોને ઇમિગ્રેશન એજન્ટો દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી આ ચોથી ઘટના છે. આથી સ્થાનિક સમુદાયમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટેક્સાસના ડિટેન્શન સેન્ટરમાં મોકલાયા
પરિવારના વકીલ માર્ક પ્રોકોશે જણાવ્યું કે લિયામ અને તેના પિતાને ટેક્સાસના ડિલી શહેરમાં આવેલા ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. તેઓ શક્યતા છે કે ફેમિલી હોલ્ડિંગ સેલમાં રાખવામાં આવ્યા હોય. વકીલે જણાવ્યું કે હજુ સુધી પરિવારનો સીધો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે ઉમેર્યું કે, “અમે તમામ કાનૂની અને નૈતિક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ, જેથી બાળકને વહેલી તકે મુક્ત કરાવી શકાય.”
કમલા હેરિસનો કડક પ્રતિભાવ
અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, “લિયામ રામોસ ફક્ત એક બાળક છે. તેને તેના પરિવાર સાથે ઘરે હોવું જોઈએ. ICE દ્વારા તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને ટેક્સાસના ડિટેન્શન સેન્ટરમાં રાખવું ખોટું છે. હું ગુસ્સે છું અને તમારે પણ હોવું જોઈએ.” તેમના આ નિવેદન પછી આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
ICE તરફથી શું કહેવામાં આવ્યું?
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તા ટ્રિશિયા મેકલોફલિને જણાવ્યું કે “ICE એ કોઈપણ બાળકને નિશાન બનાવ્યું નથી.” તેમના જણાવ્યા મુજબ, એજન્ટો બાળકના પિતા એડ્રિયન એલેક્ઝાન્ડર કોનેજો એરિયાસ, જે ઇક્વાડોરના નાગરિક છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે, તેમની ધરપકડ માટે ગયા હતા. ICEનો દાવો છે કે પિતા બાળકને છોડીને ભાગી ગયા હતા. બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અધિકારી બાળક સાથે રહ્યો હતો અને પછી તેને પિતાની સાથે રાખવામાં આવ્યો.
નીતિ અને માનવતા વચ્ચેનો સંઘર્ષ
આ ઘટનાએ ફરી એકવાર અમેરિકાની ઇમિગ્રેશન નીતિ પર પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને નાના બાળકોને ડિટેન્શન સેન્ટરમાં રાખવાની પ્રક્રિયા કેટલી માનવિય છે, તે અંગે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો : અમેરિકા WHOથી અલગ થયું, જીનીવા મુખ્યાલય બહારથી યુએસ ધ્વજ હટાવ્યો.