અમેરિકાની રાજનીતિમાં 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેમના સંભવિત ત્રીજા કાર્યકાળ અંગે નવી અટકળો તેજ બની છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ ‘TRUMP 2028’ લખેલી ટોપી પહેરેલા જોવા મળે છે. તસવીર સાથે તેમણે ‘અમે જીતીશું’ એવો સંદેશ પણ આપ્યો છે.

https://truthsocial.com/@realDonaldTrump/117101395583923690

ટ્રમ્પની આ પોસ્ટને કારણે રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું તેઓ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે? જોકે, અહીં સૌથી મોટો પ્રશ્ન અમેરિકાના બંધારણનો છે.

અમેરિકામાં ફરી ‘ટ્રમ્પ 2028’ની ગુંજ

અમેરિકાના બંધારણના 22મા સુધારા મુજબ, કોઈ વ્યક્તિ બે વખતથી વધુ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકતી નથી. ટ્રમ્પ 2016માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2024માં ફરી ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા હતા. એટલે સામાન્ય બંધારણીય જોગવાઈ મુજબ તેઓ 2028માં ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકતા નથી.

આ દરમિયાન ટ્રમ્પે અન્ય એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેમના કાર્યકાળની તુલના પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળ સાથે કરવામાં આવી હતી. પોસ્ટમાં બિડેનના નામ સાથે એક અમેરિકન નાગરિકને જેલના સળિયા પાછળ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે ટ્રમ્પના નામ સાથે અમેરિકન ધ્વજવાળા વિમાનમાં લોકોને બતાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ દ્વારા ટ્રમ્પે પોતાના કાર્યકાળને બિડેનના કાર્યકાળ કરતાં વધુ સફળ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોસ્ટ બાદ ચર્ચાએ પકડ્યું જોર

‘TRUMP 2028’ ટોપીવાળી તસવીર અને અન્ય પોસ્ટ બાદ ત્રીજા કાર્યકાળની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. ટ્રમ્પ અગાઉ પણ ત્રીજા કાર્યકાળ અંગેના સવાલો પર રસ દર્શાવી ચૂક્યા છે. જોકે, માત્ર સોશિયલ મીડિયા પોસ્ટના આધારે એ નિશ્ચિત કહી શકાય નહીં કે તેઓ ખરેખર 2028ની ચૂંટણી લડશે.

જો ટ્રમ્પ ખરેખર ત્રીજા કાર્યકાળ માટે પ્રયાસ કરે છે, તો બંધારણીય મર્યાદા તેમના માટે સૌથી મોટો કાનૂની પડકાર બનશે. તેથી હાલ ‘TRUMP 2028’ પોસ્ટને એક રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ ટ્રમ્પની ત્રીજી વખત ચૂંટણી લડવાની શક્યતા અંગે હજુ અનેક કાનૂની અને રાજકીય પ્રશ્નો અનઉકેલ્યા છે.

આ પણ વાંચોઃ Money Making Tips : ઘરે બેઠાં થશે કમાણી, સરકાર મહિલાઓને આપી રહી છે 3 લાખ રૂપિયા