વિશ્વમાં ચાલી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકા વધુ એક યુદ્ધમાં કૂદવાની જોરદાર તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રક્ષા મંત્રાલય ‘પેન્ટાગન’ (Pentagon) એ ક્યુબા પર લશ્કરી કાર્યવાહી કરવા માટેનો ગુપ્ત પ્લાન તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવ્યો છે. જો ટ્રમ્પ આ પ્લાનને લીલી ઝંડી આપશે તો ક્યુબા અને અમેરિકા વચ્ચે ભીષણ જંગ શરૂ થઈ શકે છે. ચાલુ વર્ષે એટલે કે 2026માં અમેરિકા તરફથી આ ત્રીજો સૈન્ય હુમલો હશે.
કેરેબિયન સમુદ્રમાં અમેરિકી સેનાનો જમાવડો
ટ્રમ્પ પ્રશાસનને અગાઉ એવી આશા હતી કે કડક આર્થિક પ્રતિબંધો લાદ્યા બાદ ક્યુબામાં આપોઆપ તખ્તાપલટ થઈ જશે. પરંતુ ભારે આર્થિક અને રાજકીય દબાણ છતાં અમેરિકા ક્યુબાની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને હલાવી શક્યું નથી, જેથી હવે સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પસંદ કરાયો છે. આ અંતર્ગત મે મહિનામાં જ અમેરિકાનું શક્તિશાળી ‘USS નિમિત્ઝ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ કેરેબિયન જળક્ષેત્રમાં પહોંચી ગયું છે. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર અને ક્રૂઝર યુદ્ધ જહાજો પણ તૈનાત છે, જે જમીન પર ચોક્કસ નિશાન સાધવામાં સક્ષમ છે. આ ઉપરાંત અમેરિકી ડ્રોન અને જાસૂસી વિમાનો પણ ક્યુબાની સરહદ પર સતત નજર રાખી રહ્યા છે.
શા માટે ક્યુબા અમેરિકાના નિશાના પર છે?
તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમેરિકાની બિલકુલ નજીક આવેલો એક અસ્થિર દેશ યુએસની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. ક્યુબામાં હાલ ભારે રાજકીય અસ્થિરતા છે. બીજી તરફ, ક્યુબામાં ચીન (China) ની દખલગીરી અને ડીલ સતત વધી રહી છે, જે અમેરિકા સહન કરવા તૈયાર નથી. વેનેઝુએલા પર પોતાના પ્રભાવ બાદ હવે અમેરિકા ગમે તે ભોગે ક્યુબા પર અંકુશ મેળવવા માંગે છે.
ક્યુબાની શક્તિ: 'ગોરિલા વોર'માં માહિર
અમેરિકા ભલે મોટો પ્લાન બનાવી રહ્યું હોય, પણ ક્યુબાને નબળો આંકવો ભૂલ ભરેલું સાબિત થઈ શકે છે. ક્યુબાની સૌથી મોટી તાકાત તેની 'વોર ઓફ ઓલ ધ પીપલ' (War of All the People) પોલિસી છે. આ અંતર્ગત જો દેશ પર હુમલો થાય તો માત્ર સેના જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો, સ્થાનિક સંગઠનો અને પેરામિલિટ્રી ફોર્સ પણ મેદાનમાં ઉતરી પડે છે.
હાલ ક્યુબા પાસે 50 હજાર એક્ટિવ સૈનિકો, 39 હજાર રિઝર્વ સૈનિકો અને 90 હજાર પેરામિલિટ્રી સભ્યો છે. ક્યુબાએ ઈરાનની જેમ પોતાની સેનાને એવા સ્વાયત્ત મોડ્યુલમાં વહેંચી છે કે યુદ્ધ દરમિયાન દરેક ટુકડી જાતે નિર્ણયો લઈ શકે છે. 1970ના દાયકામાં ક્યુબાએ આ જ 'ગોરિલા યુદ્ધ' પદ્ધતિથી અમેરિકાને ઘૂંટણિયે લાવી દીધું હતું, જેથી આ જંગ અમેરિકા માટે પણ આસાન નહીં હોય.
આ પણ વાંચો:Australia:પીએમ મોદી જશે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે,અમેરિકાની મુલાકાતનું પણ મળ્યું આમંત્રણ