જાન્યુઆરી 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે તેમની લોકપ્રિયતા 47% હતી. પરંતુ માત્ર એક વર્ષના ગાળામાં જ સ્થિતિ પલટાઈ ગઈ છે. Reuters-Ipsos સર્વે અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને તેમના કાર્યકાળના સૌથી નીચા સ્તરે એટલે કે 34% પર આવી ગયું છે. આ આંકડો એપ્રિલના મધ્યમાં 36% હતો, જે દર્શાવે છે કે જનતાનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે.
ઈરાન સાથેનું યુદ્ધ અને આર્થિક બોજ
ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડાનું મુખ્ય કારણ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ શરૂ થયેલું અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છે. આ યુદ્ધને કારણે પર્સિયન ગલ્ફમાં તેલ પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે, જેની સીધી અસર વૈશ્વિક અને અમેરિકન ઊર્જા બજાર પર પડી છે. આ સંઘર્ષને કારણે અમેરિકામાં ગેસોલિનના ભાવમાં 40% થી વધુનો તોતિંગ વધારો થયો છે. હાલમાં ગેસોલિનના ભાવ $4.18 પ્રતિ ગેલન સુધી પહોંચી ગયા છે, જે મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ સમાન છે. સર્વેક્ષણ મુજબ, માત્ર 34% લોકો જ ઈરાન સાથેના યુદ્ધને સમર્થન આપી રહ્યા છે. લોકોનું માનવું છે કે આ યુદ્ધ સામાન્ય જનતા માટે મોંઘવારી લઈને આવ્યું છે. માત્ર 22% લોકો જ ફુગાવાને સંભાળવાની ટ્રમ્પની પદ્ધતિથી સંતુષ્ટ છે.
બાઇડેન શાસન સાથે તુલના
રસપ્રદ વાત એ છે કે, આર્થિક સંકટને કારણે હવે અમેરિકનો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનના કાર્યકાળને યાદ કરી રહ્યા છે. હાર્વર્ડ CAPS/HarrisX પોલ મુજબ, 52% લોકોનું માનવું છે કે બિડેનના સમયમાં અમેરિકાનું અર્થતંત્ર હાલની તુલનામાં વધુ મજબૂત અને સ્થિર હતું. 85% મતદારો ગેસોલિનના વધતા ભાવને લઈને અત્યંત ચિંતિત છે.
રાજકીય અસરો અને સુરક્ષાનો ભય
સર્વે દરમિયાન જ વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર વખતે ટ્રમ્પ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, જેને સુરક્ષા દળોએ સમયસર રોકી લીધો હતો. જોકે, આ ઘટનાથી લોકોની સહાનુભૂતિ ટ્રમ્પ તરફ વળશે કે કેમ તે તો આગામી સમય જ કહેશે. હાલની સ્થિતિમાં રિપબ્લિકન પાર્ટી માટે ચિંતાજનક બાબત એ છે કે તેના પોતાના 41% સમર્થકો મોંઘવારીના મુદ્દે નારાજ છે.
યુદ્ધ ટ્રમ્પ માટે બન્યું ગળાની ફાંસ
નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ હવે ટ્રમ્પ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. જો ઈરાન સાથેનો તણાવ અને ઇંધણના ભાવ કાબૂમાં નહીં આવે, તો સત્તાધારી પક્ષે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આમ, ઈરાન યુદ્ધ અને આર્થિક મોરચે નિષ્ફળતા ટ્રમ્પની બીજી ટર્મ માટે 'કાંટો' સાબિત થઈ રહી છે.
આ પણ વાંચોઃ Washington: ઇરાન પાસે પરમાણુ હથિયાર હશે તો સમગ્ર દુનિયા બંધક બની જશે, જર્મની પર ભડક્યા ટ્રંપ