45 વર્ષ પહેલાં તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર થયેલા હુમલા બાદ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં ફરી એકવાર ગોળીબાર થતા હિલ્ટન હોટલ ધ્રૂજી ઉઠી છે. વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન બનેલી આ ઘટનાએ સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને ઇતિહાસની ભયાનક યાદો તાજી કરી દીધી છે.અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સ્થિત વોશિંગ્ટન હિલ્ટન હોટલ ફરી એકવાર ચર્ચામાં છે. આ એ જ હોટલ છે જે અગાઉ પણ એક મોટા હુમલાની સાક્ષી રહી ચૂકી છે. વર્ષ 1981માં અહીં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન પર જીવલેણ હુમલો થયો હતો, જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું હતું. હવે અંદાજે 45 વર્ષ બાદ ફરી આ જ હોટલમાં ગોળીઓનો અવાજ ગુંજ્યો છે, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.


ભૂતકાળની એ ઘટના: 30 માર્ચ, 1981

તે દિવસે રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન આ જ હોટલમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યારે તેઓ બહાર નીકળીને પોતાની ગાડી તરફ વધી રહ્યા હતા, ત્યારે જોન હિંકલે જુનિયર નામના વ્યક્તિએ તેમના પર ગોળી ચલાવી હતી. તેણે 22 કેલિબરની રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.આ હુમલામાં રીગન ઉપરાંત સીક્રેટ સર્વિસ એજન્ટ ટિમોથી મેકકાર્થી, પોલીસ અધિકારી થોમસ ડેલાહાંટી અને પ્રેસ સેક્રેટરી જેમ્સ બ્રેડી પણ ઘાયલ થયા હતા. બ્રેડીની હાલત ગંભીર હતી અને તેઓ આજીવન અપંગ બની ગયા હતા. આ ઘટના બાદ રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.

હાલની ઘટના: 25 એપ્રિલ, 2026

25 એપ્રિલ 2026ની રાત્રે આ હોટલ ફરીથી સમાચારોમાં આવી ગઈ. અહીં વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર ચાલી રહ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુખ્ય અતિથિ હતા. હોટલના મોટા બોલરૂમમાં પત્રકારો, નેતાઓ અને બિઝનેસમેન સહિત લગભગ 2600 લોકો હાજર હતા.કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં હતો ત્યારે જ અચાનક 4 થી 6 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો. આનાથી હોટલમાં અફરાતફરી મચી ગઈ. સીક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. લોકો ડરના માર્યા ટેબલ નીચે છુપાઈ ગયા હતા. હુમલાખોરને હોટલની લોબી પાસે જ દબોચી લેવામાં આવ્યો હતો.

એક હોટલ, બે ઘટના અને સુરક્ષા પર સવાલ

વોશિંગ્ટન હિલ્ટન હવે એવી જગ્યા બની ગઈ છે જ્યાં બે અલગ-અલગ સમયે રાષ્ટ્રપતિની હાજરીમાં ગોળીબાર થયો છે. 1981માં રીગન સીધા હુમલાનો શિકાર બન્યા હતા, જ્યારે આ વખતે ટ્રમ્પ પર સીધો હુમલો હતો કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.જોકે, સૌથી મોટી ચિંતા એ છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં આવી ઘટનાઓ કેવી રીતે બને છે? આવા મોટા આયોજનોમાં બોલરૂમ અને VIP એરિયામાં તો સખત સુરક્ષા હોય છે, પરંતુ હોટલના બાકીના ભાગો (જાહેર વિસ્તારો) સામાન્ય લોકો માટે ખુલ્લા રહે છે. આ જ જગ્યા ઘણીવાર સુરક્ષાની સૌથી મોટી નબળાઈ સાબિત થાય છે.

આ પણ વાંચો: Washington:ટ્રમ્પ પર હુમલો કરનાર કોણ છે? અને બંદૂક સાથે કેવી રીતે ઘૂસ્યો?

  • Follow us on: