અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વિવેચકોના મત મુજબ સૌથી વધારે કોઈ કામ કર્યું હોય તો એ છે પૂર્વ પ્રમુખોને આડે હાથ લેવાનું કામ અને તેમના પર શાબ્દિક પ્રહાર કરવાનું કામ. ત્યારે ફરી એકવાર ટ્રમ્પે ઓબામા પછી બાઈડન પર નિશાન સાધ્યું છે.
યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જાત: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ પદ પર બિરાજતાની સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પના બોલ બગડ્યા હતા. રાષ્ટ્રપતિ પદ હાથમાં આવતા ટ્રમ્પે સૌથી પહેલા બાઈડનની વહીવટની નીતિઓ પર શાબ્દિક હુમલો કર્યો હતો. ટ્રમ્પે બાઈડનને આડેહાથ લેતા કહ્યું કે બિડેનના શાસનમાં યુક્રેનને કરવામાં આવેલી આર્થિક મદદ આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ખેંચી જાત પરંતુ તેમના સત્તા પર આવતાની સાથેજ તેમણે સૌથી પહેલા વિશ્વ શાંતિને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું અને ત્રીજી વિશ્વ યુદ્ધ રોક્યું હતું.
બિડેનના વહીવટ પર સવાલ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથેજ પૂર્વ પ્રમુખના વહીવટ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્રમ્પે ત્યાં સુધી કહી દીધું કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશનો વહીવટ હાથમાં આવવા છતાં બાઈડન દેશનું યોગ્ય સંચાલન કરવામાં વહીવટી રીતે સદંતર નિષ્ફળ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે તેમની પ્રમુખ પદ તરીકેની હાજરીએ યુક્રેન સંઘર્ષને ઘણા ખરા અંશે ઓછું કરી નાખ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મારા સત્તા પર આવતાની સાથે મોસ્કો સાથેના સંબંધ સુધરી ગયા છે જે બાઈડન વહીવટના લીધે ખરાબ થઈ ગયા હતા.
યુક્રેન સંઘર્ષ એ બિડેનનું યુદ્ધ
ખુબજ આશ્ચર્યની વાત છે કે આ બાબતે દુનિયાના બે મોટા નેતાઓ અલગ અલગ દિશામાં વિચારી રહ્યા છે. રાશિયાના પ્રમુખ પુતિનનું માનવું છે કે યુક્રેનને નાટો દેશ એક લાંબા સમયથી રશિયા સામે લડવા માટે પિઠબળ આપી રહ્યા છે જ્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું માનવું છે કે યુક્રેન સંઘર્ષ માટે પૂર્વ પ્રમુખ બાઈડન જવાબદાર છે. ટ્રમ્પનું માનવું છે કે બાઈડન તરફથી યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાયના કારણે અમેરિકાને લગભગ $350 બિલિયનનું નુકસાન થશે.