અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસના અવસરે વ્હાઇટ હાઉસમાં યોજાયેલા UFC કાર્યક્રમને નિશાન બનાવીને એક ભયાનક આતંકવાદી કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને FBI અને સુરક્ષા એજન્સીઓએ સમયસર નિષ્ફળ બનાવી દીધું છે. સદનસીબે, આ ગંભીર કાવતરાનો સમયસર પર્દાફાશ થવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.


શું હતી હુમલાની યોજના?

અહેવાલો અનુસાર, હુમલાખોરોએ આ કાર્યક્રમમાં અરાજકતા ફેલાવવા માટે એક સુનિયોજિત યોજના બનાવી હતી. તેમની યોજના મુજબ, પહેલા વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન ઉડાડીને ભીડમાં નાસભાગ મચાવવી અને ત્યારબાદ જ્યારે લોકો જીવ બચાવવા માટે ભાગતા હોય, ત્યારે સ્નાઈપર દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવાના હતા. FBI ના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના એક સંકલિત આતંકવાદી કાવતરું હતું, જેને એજન્સીઓએ અત્યંત સાવચેતી અને ત્વરિત કાર્યવાહી કરીને નિષ્ફળ બનાવ્યું છે.

માતાની સતર્કતા અને ધરપકડ

આ કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ધરપકડ કરાયેલા 19 વર્ષીય ટાયસન પ્રોપરની માતાએ ૧૦ જૂને ઓહિયોમાં પોલીસને જાણ કરી હતી કે તેમનો પુત્ર ઓનલાઈન એક ઉગ્રવાદી જૂથના સંપર્કમાં છે. માતાની આ માહિતીના આધારે પોલીસ અને FBI એ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પ્રોપરના ઘરેથી મોટી સંખ્યામાં શસ્ત્રો અને હજારો ગોળીઓ મળી આવી હતી. ન્યાય વિભાગે આ કેસમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.

રાજકીય ગરમાવો

આ ઘટના બાદ અમેરિકાના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને કટ્ટરપંથી તત્વો દ્વારા આયોજિત આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પ વિરોધી વાતાવરણ અને ભડકાઉ ભાષણોને કારણે આવી હિંસાને પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી તરફ, વહીવટીતંત્ર હવે આ પ્રકારના ઉગ્રવાદી જૂથોના નેટવર્ક અને તેમના ફંડિંગના સ્ત્રોતોની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે ફરી ચર્ચા જગાવી 

આ ઘટનાએ અમેરિકામાં વધતા રાજકીય તણાવ અને રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. સરકારી એજન્સીઓ દેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, જેથી ભવિષ્યમાં આવા કોઈપણ કાવતરાને ડામી શકાય.

આ પણ વાંચોઃ G7 Summit: મેલોનીએ છોડ્યું સ્મોકિંગ, ટ્રમ્પની ઉડાવી મજાક તો ઘડિયાળની ભેટ આપવાની વાતે રમૂજ ફેલાવી..

  • Follow us on: