અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સના કારણે અવારનવાર વિવાદોમાં રહે છે, પરંતુ આ વખતે તેમણે પોસ્ટ કરેલા એક વીડિયોએ ભારે વિરોધ અને આક્રોશ ઊભો કર્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરવામાં આવેલો એક અત્યંત વિચિત્ર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ વાઘ સાથે રમતા, તેને કાબૂમાં રાખતા અને કુસ્તી કરતા જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં "ધ લાયન સ્લીપ્સ ટુનાઇટ" ધૂન વાગી રહી છે અને ટ્રમ્પે કેપ્શન આપ્યું હતું: "પ્રકૃતિ સાથે ક્યારેય ચેડા ન કરો!"

આ વીડિયો પોસ્ટ કરતા પહેલાં, ટ્રમ્પે યુકે (બ્રિટન)ના એક વાઇલ્ડલાઇફ પાર્કમાં વાઘ દ્વારા એક યુવક પર થયેલા જીવલેણ હુમલાનો 41-સેકન્ડનો વાસ્તવિક અને દર્દનાક વીડિયો પણ શેર કર્યો હતો.

શું હતો સમગ્ર બનાવ?

શનિવારે ઉત્તરી ઇંગ્લેન્ડના ડોનકાસ્ટર નજીક આવેલા યોર્કશાયર વાઇલ્ડલાઇફ પાર્કમાં 23 વર્ષીય વિલિયમ ચેપમેન નામના યુવકનું વાઘના ઘેરામાં પ્રવેશ્યા બાદ કરૂણ મોત નીપજ્યું હતું. પરિવારે એક ઓનલાઇન શ્રદ્ધાંજલિ સંદેશમાં જણાવ્યું કે, વિલિયમ એક તેજસ્વી, મૈત્રીપૂર્ણ અને મોહક યુવાન હતો, જે છેલ્લા કેટલાક વર્ષોથી ગંભીર માનસિક બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો.

યુવકના અવસાન બાદ કરી અપીલ

યુવકના આકસ્મિક અને દુઃખદ અવસાન બાદ પરિવારે લોકોને નમ્ર અપીલ કરી હતી કે આ ઘટના સાથે જોડાયેલા વિચલિત કરનારા વીડિયો કે છબીઓ સોશિયલ મીડિયા પર શેર ન કરે. પરિવારે વ્યથા ઠાલવતા કહ્યું કે, આવી સંવેદનશીલ સામગ્રીનું પ્રસારણ તેમને આ મુશ્કેલ સમયમાં "ભારે માનસિક તકલીફ" આપી રહ્યું છે.
https://x.com/gardnerakayla/status/2110214306839363806?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110214306839363806%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

સોશિયલ મીડિયા પર ટ્રમ્પની તીખી ટીકા

બ્રિટિશ યુવકની દર્દનાક ઘટના બાદ ટ્રમ્પ દ્વારા શેર કરાયેલા વાસ્તવિક હુમલાના ફૂટેજ અને ત્યાર બાદ પોતે વાઘ સાથે રમી રહ્યા હોય તેવા AI વીડિયોની વ્યાપક ટીકા થઈ રહી છે. જાણીતા બ્રિટિશ પ્રસારણકર્તા પિયર્સ મોર્ગને આ વીડિયોને "અત્યંત વિચિત્ર, બેસ્વાદ અને બીભત્સ" ગણાવતા ટ્રમ્પને તેને તાત્કાલિક હટાવી લેવાની માંગ કરી હતી.

એટલું જ નહીં, સામાન્ય નેટિઝન્સ અને ટ્રમ્પના પોતાના સમર્થકો પણ આ પોસ્ટથી નારાજ થયા છે. એક સમર્થકે સોશિયલ મીડિયા પર લખ્યું, "હું તેમનો મોટો સમર્થક છું, પરંતુ મને આ પોસ્ટ બિલકુલ ગમી નથી. સંવેદનશીલ મુદ્દાઓ પર આવી મજાક અયોગ્ય છે."

આ પણ વાંચોઃ World News: અમેરિકામાં નવરાત્રિ દરમિયાન હિન્દુ મંદિર પર હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે આરોપીની ધરપકડ કરી