અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ સમજૂતી અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ સમજૂતી પર આવતીકાલે એટલે કે 14 જૂને હસ્તાક્ષર થઈ શકે છે અને ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ અમેરિકા ઈરાન જઈને “ન્યુક્લિયર ડસ્ટ” સંબંધિત કામગીરી પણ કરશે.
ઈરાનને કોઈ નાણાકીય લાભ નહીં મળે
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની JCPOA ડીલ ઈરાન માટે પરમાણુ હથિયાર મેળવવાનો સરળ માર્ગ હતો, જ્યારે તેમનો વર્તમાન પ્રસ્તાવ સંપૂર્ણપણે વિપરીત છે. તેમણે દાવો કર્યો કે તેમની નીતિ હેઠળ ઈરાનને કોઈ નાણાકીય લાભ નહીં મળે અને ભૂતકાળમાં આપવામાં આવેલી અબજો ડોલરની મદદનો પણ ઉલ્લેખ કર્યો.
અમેરિકા અને સમગ્ર મધ્ય પૂર્વ દેશો સાથે મળીને કામ કરશે
ટ્રમ્પે વધુમાં કહ્યું કે યોગ્ય સમય આવતા અમેરિકા તેના B-2 બોમ્બર્સની મદદથી ઈરાનના ગાઢ પહાડોમાં છુપાયેલા પરમાણુ સામગ્રીને નષ્ટ કરવાની કાર્યવાહી કરી શકે છે. તેમ છતાં તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં અમેરિકા અને સમગ્ર મધ્ય પૂર્વ દેશો સાથે મળીને કામ કરશે.
પ્રાદેશિક શાંતિ માટે મહત્વપૂર્ણ પગલું
બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે પણ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો શાંતિ કરાર આગામી 24 કલાકમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ સમજૂતી માટે રવિવારે ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર થવાની શક્યતા છે, જે પ્રાદેશિક શાંતિ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Franceમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થશે મહત્વપૂર્ણ મુલાકાત, વ્હાઈટ હાઉસે આપી જાણકારી