અમેરિકાની તાજેતરની મધ્યસત્ર ચૂંટણીમાં પરાજયનો સામનો કરવા છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણમાં કોઈ ઘટાડો થયો નથી. મધ્યસત્ર પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીના વિજય બાદ સત્તાનું સંતુલન બદલાયું છે, પરંતુ ટ્રમ્પે તેમની પરંપરાગત શૈલીમાં ઓવલ ઓફિસમાં રિઝોલ્યુટ ડેસ્ક પર "VETO" (વીટો) લખેલી લાલ બેઝબોલ કેપ મૂકીને વિરોધીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ઓર્ડર પર હસ્તાક્ષર કરવા અને પત્રકારો સાથે વાતચીત દરમિયાન ડેસ્ક પર આ લાલ ટોપી મૂકવી એ દર્શાવે છે કે ટ્રમ્પ ડેમોક્રેટ્સના કોઈપણ કાયદાકીય એજન્ડાનો સામનો કરવા પોતાના બંધારણીય વીટો પાવરનો ઉપયોગ કરવા પૂર્ણપણે તૈયાર છે.
વીટો પાવર હું બતાવીશઃ ટ્રમ્પ
આ અંગે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિનો વીટો પાવર એ અમેરિકન રાષ્ટ્રપતિ પાસે રહેલી સૌથી શક્તિશાળી અને મજબૂત શક્તિઓમાંની એક છે. તેમણે ઉમેર્યું કે જો ડેમોક્રેટ્સ કોઈ અયોગ્ય કે વાહિયાત નિર્ણય લેશે, તો તેઓ તેને વીટો પાવરથી અટકાવી દેશે. આ સિવાય ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પણ આ 'VETO' લખેલી કેપનો ફોટો શેર કર્યો હતો.
ડેમોક્રેટ્સે નિયંત્રણ પોતાના હાથમાં લીધુ
3 નવેમ્બરના રોજ યોજાયેલી મધ્યસત્ર ચૂંટણીમાં જીત સાથે ડેમોક્રેટ્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંને પર નિયંત્રણ મેળવી લીધું છે. આ રાજકીય ફેરફારથી હવે કોંગ્રેસ તપાસ, સુનાવણીઓ અને સમન્સ દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્રની કડક સમીક્ષા કરશે તેવી શક્યતા છે. આ ઉપરાંત, ડેમોક્રેટ્સ ટ્રમ્પ દ્વારા કરવામાં આવતી ન્યાયિક અને કેબિનેટ નામાંકન (Nominations) ની પ્રક્રિયામાં પણ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે.
ચૂંટણી પરિણામોને ટ્રમ્પની નીતિઓ સામે જનાદેશ ગણાવ્યો
બીજી તરફ, ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ ચૂંટણી પરિણામોને ટ્રમ્પ નીતિઓ સામેનો એક મોટો જનાદેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સે મેળવેલી આ બહુમતી એ ટ્રમ્પનો સંપૂર્ણ અસ્વીકાર છે. ખન્નાના જણાવ્યા મુજબ, અમેરિકન મતદારો હાલમાં વધતી મોંઘવારી, જીવનનિર્વાહના ખર્ચ અને ચાલુ યુદ્ધો વિશે ભારે ચિંતિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હવે ડેમોક્રેટ્સનું મુખ્ય ધ્યાન સ્વાસ્થ્ય સંભાળ (Healthcare), બાળ સંભાળ અને રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓના ખર્ચમાં ઘટાડો કરીને સામાન્ય જનતાને રાહત આપવા પર રહેશે.
આ પણ વાંચોઃ US Election બાદ ઇરાનનું આક્રમક વલણ, 7 શરતો નહીં સંતોષાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેશે