મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ક્ષેત્રમાં ભૌગોલિક-રાજકીય તણાવ અને યુદ્ધનો ભય ફરી એકવાર ચરમસીમા પર પહોંચી ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લશ્કરી તેમજ રાજકીય ખેંચતાણ વચ્ચે શાંતિ વાટાઘાટો પુનઃ શરૂ કરવા માટેનો નવો કૂટનીતિક પ્રયાસ સામે આવ્યો છે. ઈરાને કતારની મધ્યસ્થતા મારફતે વોશિંગ્ટનને એક નવો પરમાણુ પ્રસ્તાવ મોકલ્યો છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકી પ્રશાસન હાલમાં આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાને અત્યંત કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેમની સાત મુખ્ય શરતો સ્વીકારશે નહીં, તો પરમાણુ મુદ્દે આગળ કોઈ વાટાઘાટો થશે નહીં અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ગણાતો 'હોર્મુઝ સ્ટ્રેટ' પણ વેપાર માટે ખોલવામાં આવશે નહીં.
ઇરાનની 7 શરતોની ચીમકી
રશિયાની મુલાકાત દરમિયાન ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈએ તહેરાનનું વલણ સ્પષ્ટ કરતાં પોતાની સાત માંગણીઓનો પુનરોચ્ચાર કર્યો હતો. ઈરાનની આ સાત શરતોમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ નાણાકીય અને આર્થિક પ્રતિબંધો તાત્કાલિક હટાવવા, વિદેશોમાં ફ્રીઝ કરાયેલી ઈરાની સંપત્તિઓને મુક્ત કરવી, નૌકાદળની નાકાબંધીનો અંત આણવો, ક્ષેત્રમાંથી અમેરિકી સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેંચવા અને યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, અમેરિકાનું કહેવું છે કે વાટાઘાટોના પ્રારંભિક તબક્કામાં જ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો સામેલ હોવો જોઈએ, જેના કારણે બંને પક્ષો વચ્ચે સહમતિ સાધવી મુશ્કેલ બની રહી છે.
