વિશ્વના રાજકારણ અને અર્થતંત્રના સમીકરણો બદલી શકે તેવી એક અત્યંત મહત્વની બેઠક ચીનની રાજધાની બેઇજિંગમાં શરૂ થઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ હાઈ-વોલ્ટેજ મીટિંગ પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે. બેઇજિંગના પ્રતિષ્ઠિત "ગ્રેટ હોલ ઓફ ધ પીપલ" ખાતે સવારે 7.30 વાગ્યે આ ઐતિહાસિક મુલાકાતનો પ્રારંભ થયો હતો.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું શી જિનપિંગે ઉષ્માભર્યું સ્વાગત કર્યું
બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પનું શી જિનપિંગે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દ્વિપક્ષીય બેઠક પૂર્વે આપેલા ઉદ્ઘાટન ભાષણમાં બંને નેતાઓના નિવેદનોમાં મૈત્રી અને મક્કમતાનું મિશ્રણ જોવા મળ્યું હતું. શી જિનપિંગે અમેરિકાને એક વિરોધી બનવાને બદલે પરસ્પર સફળતાના ભાગીદાર બનવા હાકલ કરી હતી. સામે પક્ષે ટ્રમ્પે પણ શી જિનપિંગ સાથેની મિત્રતાને સન્માન ગણાવતા કહ્યું કે, બંને મહાસત્તાઓનું ગૌરવશાળી ભવિષ્ય સાથે જોડાયેલું છે અને આગામી સમયમાં સંબંધો વધુ મજબૂત બનશે.
ચર્ચાના મુખ્ય અને વિવાદાસ્પદ મુદ્દાઓ
આ મુલાકાત ભલે મિત્રતાના દેખાવ સાથે શરૂ થઈ હોય, પરંતુ તેની પાછળ ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દાઓનો લાંબો ઇતિહાસ છે. આ વખતે ટ્રમ્પ જે ચીનનો સામનો કરી રહ્યા છે, તે અગાઉની મુલાકાતો કરતા ઘણું વધુ શક્તિશાળી અને આર્થિક રીતે સદ્ધર છે. બેઠક દરમિયાન નીચે મુજબના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે:
વેપાર અને ટેરિફ: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું વેપાર યુદ્ધ અને અબજો ડોલરના સોદાઓ.
ભૂ-રાજકીય તણાવ: તાઇવાન પ્રશ્ન, દક્ષિણ ચીન સાગરમાં વધતી જતી સૈન્ય હિલચાલ અને ઈરાન સાથેના સંબંધો.
તકનીકી સ્પર્ધા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે બંને દેશો વચ્ચે સર્વોપરિતા સાબિત કરવાની હોડ.
સાંસ્કૃતિક મુલાકાત અને ભોજન સમારંભ
રાજદ્વારી ચર્ચાઓ ઉપરાંત, ટ્રમ્પ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ 'ટેમ્પલ ઓફ હેવન'ની પણ મુલાકાત લેશે, જે ચીની સંસ્કૃતિમાં અત્યંત મહત્વ ધરાવે છે. સાંજે બંને નેતાઓ એક ભવ્ય રાજકીય ભોજન સમારંભમાં પણ ભાગ લેશે, જ્યાં અનૌપચારિક રીતે વધુ ચર્ચાઓ થઈ શકે છે.
શું આ મુલાકાતથી શાંતિ સ્થપાશે કે કેમ?
સમગ્ર વિશ્વ અત્યારે આતુરતાપૂર્વક જોઈ રહ્યું છે કે આ મુલાકાતથી વૈશ્વિક રાજકારણમાં શાંતિ સ્થપાશે કે પછી વેપારી અને લશ્કરી સ્પર્ધામાં નવો વળાંક આવશે. અત્યાર સુધીના ઘટનાક્રમ મુજબ, બંને દેશો વચ્ચે તણાવ હોવા છતાં, ટોચના સ્તરે સંવાદ શરૂ થવો એ એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Gold : આ દેશે ધડાધડ ખરીદ્યુ 'સોનું', દેશને આર્થિક કટોકટીથી બચાવવા માટે રમાયો મોટો દાવ