મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્રમાં જહાજો તેમજ કાર્ગોને થયેલા કોઈપણ નુકસાનની ભરપાઈ અમેરિકાના નિયંત્રણ હેઠળ રહેલા ઈરાનના સ્થિર (ફ્રોઝન) ભંડોળમાંથી કરવામાં આવશે. આ જાહેરાતથી ઈરાન સાથેનો તણાવ વધુ ઘેરો બનવાની પૂરી શક્યતા છે.

નુકસાનની ભરપાઇ સ્વિઝ ભંડોળમાંથી કરાશે

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકી સેનાએ ઈરાની સૈન્ય ઠાણાઓ પર હુમલાની 13મી રાત્રે પણ કાર્યવાહી ચાલુ રાખી હતી. આ સૈન્ય કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનને જવાબદાર ઠેરવવાનો અને વાણિજ્યિક શિપિંગ માટે ઊભા થયેલા જોખમોને ઘટાડવાનો છે. બીજી બાજુ, લાંબા સમયથી હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્રમાં શિપિંગ જહાજો તથા તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઊભું થયું છે. યમનના હુથી બળવાખોરો દ્વારા પણ સાઉદી અરબના ટેન્કરો પર હુમલાઓ કરવામાં આવ્યા છે.

ડોનાલ્ડ ટ્ર્મ્પે આપ્યું નિવેદન 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હવેથી જહાજો કે કાર્ગોને થનારા નુકસાનની ભરપાઈ માટે યુનાઇટેડ સ્ટેટ્સના કબજામાં રહેલા ઈરાની ફંડનો ઉપયોગ કરાશે. આ નુકસાન મોટું હોઈ શકે છે, પરંતુ આ નિર્ણયને ન્યાયી ગણાવવામાં આવ્યો છે.

ટ્રમ્પના નિવેદન વચ્ચે ઇરાનની તીખી પ્રતિક્રિયા

ટ્રમ્પની આ જાહેરાત સામે ઈરાને તીખી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે કોઈપણ સંબંધ વગર ભવિષ્યના દાવાઓ માટે અન્ય દેશની સંપત્તિ જપ્ત કરવી એ એક જોખમી અને ઉશ્કેરણીજનક પગલું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સરકારો દ્વારા સંપત્તિ જપ્તીને સામાન્ય બનાવવામાં આવશે, તો વિશ્વમાં કોઈની પણ સંપત્તિ સુરક્ષિત નહીં રહે અને આનાથી ભારે અરાજકતા ફેલાશે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના આ આર્થિક અને સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચોઃ NEET વિવાદ વચ્ચે આજે CJP સાથે વાત કરશે સરકાર, સમય અને સ્થળ બંને નક્કી