દુબઈ સરકારે પ્રોપર્ટી-લિંક્ડ વિઝાના નિયમો હળવા કર્યા છે, જેનાથી હવે નાના રોકાણકારો પણ ઓછા બજેટમાં ઘર ખરીદીને રેસિડેન્સી (રહેઠાણના અધિકાર) મેળવી શકશે. આ નવા ફેરફારથી વિદેશી રોકાણકારો માટે દુબઈનું બજાર રોકાણનો વધુ આકર્ષક વિકલ્પ બની શકે છે.
દુબઈના રિયલ એસ્ટેટ સેક્ટરને વેગ આપવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નાના રોકાણકારો પણ ત્યાં પ્રોપર્ટી ખરીદીને રેસિડેન્સી વિઝા મેળવી શકશે. સરકારે બે વર્ષના પ્રોપર્ટી-લિંક્ડ વિઝા માટે ન્યૂનતમ મિલકત મૂલ્યની શરત હટાવી દીધી છે. જોકે, સંયુક્ત (જૉઇન્ટ) પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓ માટે પ્રતિ રોકાણકાર ન્યૂનતમ હિસ્સો નક્કી કરવામાં આવ્યો છે. આ ફેરફારથી ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા અને વિદેશી રોકાણકારો માટે દુબઈનું બજાર વધુ સુલભ બનશે.
શું છે નવા નિયમો?
નવા નિયમો હેઠળ, હવે બે વર્ષના પ્રોપર્ટી-લિંક્ડ રેસિડેન્સી વિઝા માટે લઘુત્તમ મિલકત કિંમતની અનિવાર્યતા સમાપ્ત થઈ ગઈ છે. અગાઉ, રોકાણકારોએ ઓછામાં ઓછી AED 750,000 (આશરે ₹1.7 કરોડથી વધુ) ની મિલકત ખરીદવી પડતી હતી, પરંતુ હવે આ મર્યાદા દૂર કરવામાં આવી છે.
રોકાણની નવી મર્યાદા
જોકે, સંયુક્ત રીતે ખરીદેલી પ્રોપર્ટી માટે સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. જો કોઈ મિલકતમાં એકથી વધુ રોકાણકારો હોય, તો દરેક રોકાણકારનો હિસ્સો ઓછામાં ઓછો AED 400,000 (આશરે ₹92 લાખથી વધુ) હોવો જરૂરી રહેશે. અગાઉ આ મર્યાદા પ્રતિ રોકાણકાર AED 750,000 હતી, જેના કારણે નાના રોકાણકારો માટે બજારમાં પ્રવેશવું મુશ્કેલ હતું. નિષ્ણાતો માને છે કે આ પગલું મિડ-સેગમેન્ટ રોકાણકારો માટે મોટી તક લાવ્યું છે.
બજારની સ્થિતિ અને અસરો
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પ્રાદેશિક તણાવ, ખાસ કરીને હોર્મુઝની (Strait of Hormuz) આસપાસ વધતી અનિશ્ચિતતા રિયલ એસ્ટેટ માર્કેટ પર અસર કરી રહી છે. તાજેતરના મહિનાઓમાં વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ડેવલપર્સ ડિસ્કાઉન્ટ અને સારા પેમેન્ટ પ્લાન ઓફર કરી રહ્યા છે.
માહિતી મુજબ, વર્ષ 2025 માં દુબઈમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જેમાં AED 547 અબજ ના સોદા થયા હતા. આમાં ભારત અને બ્રિટનના રોકાણકારોનો મોટો હિસ્સો રહ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું કહેવું છે કે નવા નિયમો બજારમાં સંતુલન જાળવવામાં મદદ કરશે. એક તરફ નાના રોકાણકારોને તક મળશે, તો બીજી તરફ સંયુક્ત રોકાણમાં લઘુત્તમ હિસ્સાની શરત વિઝા પૂલિંગ જેવા દુરુપયોગને રોકવાનું કામ કરશે.
આ પણ વાંચો: Nepal Airlines: નેપાળે ભારતની માંગી માફી,નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું