નેપાળની સરકારી વિમાન સેવા 'નેપાળ એરલાઇન્સ' એક મોટી ભૂલને કારણે વિવાદમાં સપડાઈ છે. એરલાઇન્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફ્લાઇટ નેટવર્ક મેપ શેર કર્યો હતો, જેમાં ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ નકશો વાયરલ થતા જ ભારતીય યુઝર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પરિણામે એરલાઇન્સે તાત્કાલિક પોસ્ટ હટાવીને લેખિતમાં માફી માંગવી પડી છે.


શું હતો સમગ્ર વિવાદ?

નેપાળ એરલાઇન્સે બુધવારે પોતાના ઉડાન નેટવર્કને પ્રમોટ કરવા માટે એક નકશો જાહેર કર્યો હતો. આ નકશામાં આંતરરાષ્ટ્રીય સરહદોની ગંભીર ભૂલ હતી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રદેશોને પાકિસ્તાનના નકશામાં ભેળવી દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ નકશો વાયરલ થતાં જ ભારતીય લોકોએ તેને "ભારતની પ્રાદેશિક અખંડિતતા પર હુમલો" ગણાવ્યો હતો અને એરલાઇન્સના બહિષ્કારની માંગ પણ કરી હતી.

એરલાઇન્સની સ્પષ્ટતા અને માફી

વિવાદ વકરતા નેપાળ એરલાઇન્સે ગુરુવારે ઔપચારિક નિવેદન બહાર પાડ્યું હતું. એરલાઇન્સે જણાવ્યું કે, "આ એક ટેકનિકલ અને કાર્ટોગ્રાફિક (નકશા નિર્માણની) ભૂલ હતી. આ નકશો નેપાળ સરકાર કે એરલાઇન્સની સત્તાવાર નીતિ કે સ્ટેન્ડને દર્શાવતો નથી. અમે આ ગંભીર ભૂલ માટે દિલગીર છીએ અને ભારત જેવા મિત્ર દેશ સાથેના સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ."

એરલાઇન્સે વધુમાં ઉમેર્યું હતું કે આ મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ગંભીર ભૂલનું પુનરાવર્તન ન થાય. સોશિયલ મીડિયા પરથી વિવાદાસ્પદ સામગ્રી તાત્કાલિક દૂર કરવામાં આવી છે. નોંધનીય છે કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં સરહદી નકશાઓ હંમેશા સંવેદનશીલ વિષય રહ્યા છે.


આ પણ વાંચો:China: લો બોલો હવે માત્ર ફૂંક મારવાથી ઉત્પન્ન થશે ફ્યુઅલ, ચીનની આ શોધે લોકોને અંચબામાં મૂકી દીધા!

  • Follow us on: