જાપાન ફરી એકવાર પ્રચંડ કુદરતી આપત્તિનો સામનો કરી રહ્યું છે. ઉત્તર જાપાનના દરિયાકાંઠાના વિસ્તારમાં 7.5 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા હાહાકાર મચી ગયો છે. જાપાનની હવામાન એજન્સીએ આ વિનાશક ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે સુનામીની ચેતવણી જારી કરી છે. સ્થાનિક સમય મુજબ સાંજે 4:53 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર સાનરિકુ કિનારે સમુદ્રની સપાટીથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

10 ફૂટ ઊંચા મોજાની આશંકા

જાપાનના જાહેર ટેલિવિઝન NHK અનુસાર, દરિયામાં ઉઠેલા શક્તિશાળી મોજા ગમે ત્યારે કિનારા સાથે અથડાઈ શકે છે. નિષ્ણાતોએ આગાહી કરી છે કે આ સુનામીના મોજા 3 મીટર (આશરે 10 ફૂટ) સુધી ઊંચા હોઈ શકે છે. સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઘર ખાલી કરી ઊંચાઈવાળા સ્થળોએ અથવા સુરક્ષિત ઈમારતોમાં ખસી જવા આદેશ આપ્યો છે. એજન્સીએ ચેતવણી આપી છે કે સુનામીના મોજા એકવાર આવ્યા બાદ વારંવાર આવી શકે છે, તેથી જ્યાં સુધી સત્તાવાર સૂચના ન મળે ત્યાં સુધી સુરક્ષિત વિસ્તારો ન છોડવા વિનંતી કરાઈ છે.

ટોક્યોમાં અનુભવાઈ ધ્રુજારી

ભૂકંપ એટલો ભયાનક હતો કે તેનું કેન્દ્ર ઉત્તરમાં હોવા છતાં રાજધાની ટોક્યોની ગગનચુંબી ઇમારતો પણ લાંબા સમય સુધી ધ્રુજતી રહી હતી. વડા પ્રધાન કાર્યાલયે તાત્કાલિક હરકતમાં આવીને કટોકટી વ્યવસ્થાપન ટીમ (Emergency Management Team) ની રચના કરી છે, જે રાહત અને બચાવ કામગીરી પર સીધી દેખરેખ રાખી રહી છે. હાલમાં જાન-માલના નુકસાનની વિગતો મેળવવામાં આવી રહી છે.

શા માટે જાપાનમાં જ વધુ ભૂકંપ આવે છે?

ભૌગોલિક દૃષ્ટિએ જાપાન વિશ્વના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે. તે પેસિફિક "રિંગ ઓફ ફાયર" ના કિનારે સ્થિત છે, જ્યાં ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે સતત ટકરાતી રહે છે. અંદાજે 12.5 કરોડની વસ્તી ધરાવતું આ દ્વીપસમૂહ દર વર્ષે સરેરાશ 1,500 જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવે છે. વિશ્વમાં આવતા કુલ ભૂકંપના લગભગ 18 ટકા માત્ર જાપાનમાં જ નોંધાય છે.

આ પણ વાંચોઃ America ની સમુદ્રી સર્જિકલ સ્ટ્રાઈકથી ચીન બન્યું હાંફળું ફાંફળું, ઈરાની જહાજની જપ્તી પર ડ્રેગનની પ્રતિક્રિયા

  • Follow us on: