પશ્ચિમ એશિયાના સમુદ્રી માર્ગો હાલમાં યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકન નૌકાદળ દ્વારા ઈરાની માલવાહક જહાજ 'TOUSKA' ને જપ્ત કર્યા બાદ સમગ્ર પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ઘટના પર ચીને તીખી પ્રતિક્રિયા આપતા તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે અને અમેરિકાના નામનો ઉલ્લેખ કર્યા વિના સંયમ જાળવવાની અપીલ કરી છે.
ટ્રમ્પનો દાવો: ચેતવણી છતાં નાકાબંધી તોડવાનો પ્રયાસ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ કાર્યવાહીની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઈરાની ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ TOUSKA એ અમેરિકી નૌકાદળની નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઓમાનના અખાતમાં તૈનાત યુએસ નેવી ડિસ્ટ્રોયર USS Spruance એ આ જહાજને અનેકવાર ચેતવણી આપી હતી, પરંતુ જ્યારે ઈરાની જહાજે આ સૂચનાઓને અવગણી ત્યારે તેને બળજબરીથી અટકાવીને કબજે લેવામાં આવ્યું હતું. હાલમાં આ જહાજ યુએસ મરીન્સના સંપૂર્ણ નિયંત્રણમાં છે અને તેમાં રહેલા સામાનની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ જહાજ અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે.
ચીનનો વિરોધ અને શાંતિની અપીલ
ચીનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને અત્યંત સંવેદનશીલ ગણાવી છે. ચીને કહ્યું કે કોઈ પણ જહાજને બળજબરીથી અટકાયતમાં લેવું એ પ્રાદેશિક સ્થિરતા માટે જોખમી છે. ચીની સરકારના મતે, યુદ્ધ હવે એવા નિર્ણાયક વળાંક પર છે જ્યાં એક નાની ભૂલ પણ મોટી તબાહી લાવી શકે છે. ચીને તમામ પક્ષોને જવાબદારીપૂર્વક વર્તવા અને યુદ્ધવિરામ કરારનું પાલન કરવા વિનંતી કરી છે. બેઇજિંગે એવો પણ સંકેત આપ્યો છે કે તે આ વિવાદમાં મધ્યસ્થી તરીકે રચનાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે.
ચીન અમેરિકાના આક્રમક કાર્યવાહીથી ચિંતિત
ચીનની આ પ્રતિક્રિયા સાબિત કરે છે કે તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના વધતા પ્રભાવ અને આક્રમક સૈન્ય કાર્યવાહીથી ચિંતિત છે. એક તરફ અમેરિકા નાકાબંધી દ્વારા ઈરાનને આર્થિક અને સૈન્ય રીતે તોડવા માંગે છે, તો બીજી તરફ ચીન આ વિસ્તારમાં શાંતિના નામે પોતાના હિતો સાચવવાના પ્રયાસો કરી રહ્યું છે. જો આ જહાજની તપાસમાં કોઈ વાંધાજનક લશ્કરી સામગ્રી મળી આવશે, તો ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ આગામી દિવસોમાં વધુ ભયાનક સ્વરૂપ લઈ શકે છે.
આ પણ વાંચોઃ Strait of Hormuz માં 50 દિવસનો રેકોર્ડ તૂટ્યો, તણાવ વચ્ચે 20 જહાજોનું સફળ પરિવહન થયું