હિમાલયની પર્વતમાળાઓમાં આવેલ ભૌગોલિક હલચલને કારણે ફરી એકવાર ભારત અને નેપાળના સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. શુક્રવારે વહેલી સવારે પૂર્વી નેપાળમાં આવેલા 4.7 ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ આંચકા એટલા પ્રબળ હતા કે તેની અસર પડોશી ભારતીય રાજ્યોમાં પણ અનુભવાઈ હતી.

મધ્યરાત્રિએ નેપાળની ધરતી ધ્રૂજી

રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર (NEMRC) ના અહેવાલ મુજબ, શુક્રવારે વહેલી સવારે 3:18 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાઠમંડુથી આશરે 400 કિલોમીટર દૂર પૂર્વી નેપાળના સંખુવાસભા અને તાપલેજંગ જિલ્લાની સરહદ પર આવેલા 'ટોપકે ગોલા' વિસ્તારમાં નોંધાયું હતું. અચાનક આવેલા આ આંચકાથી ડરી ગયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

નેપાળના અનેક વિસ્તારોમાં આચંકો વધુ અનુભવાયો

નેપાળના સંખુવાસભા ઉપરાંત ભોજપુર, પંચથર, તેહરથુમ અને તાપલેજંગ જેવા પૂર્વી જિલ્લાઓમાં પણ આંચકાની તીવ્રતા વધુ હતી. સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ મોટા જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કાચા મકાનોમાં તિરાડો પડવાના અહેવાલો મળી રહ્યા છે.

સિક્કિમમાં પણ સતત બીજા દિવસે ધ્રુજારી

નેપાળમાં આવેલા આ આંચકા પહેલાં, ગુરુવારે ભારતના સિક્કિમ રાજ્યમાં પણ ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. સવારે 11:24 કલાકે ગ્યાલશિંગ જિલ્લામાં 4.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમી ઊંડે હતું. ત્યારબાદ બપોરે 12:17 વાગ્યે મંગન જિલ્લામાં ફરીથી 3.5 ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.

વૈજ્ઞાનિકો અને વહીવટીતંત્ર સતર્ક બન્યું

સતત આવી રહેલા આંચકાઓને કારણે વૈજ્ઞાનિકો અને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. હિમાલયન ક્ષેત્ર સીસ્મિક ઝોન-5 માં આવતું હોવાથી અહીં વારંવાર નાના-મોટા આંચકા અનુભવાય છે, જે ભવિષ્યમાં કોઈ મોટા ભૂકંપના સંકેત હોઈ શકે છે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Canada: PM કાર્ની આજથી ભારત પ્રવાસે, કડવાશ ભૂલી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો, જાણો ભારતને શું ફાયદો થશે?