આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ, ભારતનું અર્થતંત્ર વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ સ્થિર અને મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. અમેરિકા સાથેના વેપાર સોદા, રૂપિયાની સ્થિતિ, નિકાસ, GDP વૃદ્ધિ અને માળખાગત વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર સર્વેક્ષણમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
ભારત-અમેરિકા વેપાર સોદો: ક્યારે થશે અંતિમ?
આર્થિક સર્વેક્ષણમાં ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર કરારની ચર્ચા કરવામાં આવી છે. સર્વે અનુસાર, બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ છે અને આ સોદો વર્ષ 2026 સુધીમાં અંતિમ સ્વરૂપ પામે તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે યુએસ ટેરિફને લઈને કોઈ મોટો તણાવ દેખાતો નથી અને સરકાર પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ છે.
રૂપિયો નબળો, પરંતુ અર્થતંત્ર પર મોટી અસર નહીં
સર્વેક્ષણ કહે છે કે રૂપિયો સતત થોડો નબળો પડી રહ્યો છે, પરંતુ ખાસ કરીને US ટેરિફના સમયગાળામાં આ નબળો રૂપિયો ભારતના અર્થતંત્ર માટે ગંભીર નુકસાનકારક સાબિત થયો નથી. કારણ કે સરકારનું મુખ્ય ધ્યાન નિકાસ વધારવા પર છે. નબળો રૂપિયો નિકાસને પ્રોત્સાહન આપી શકે છે, જે લાંબા ગાળે લાભદાયક બની શકે છે.
વૈશ્વિક દબાણ છતાં મજબૂત GDP વૃદ્ધિ
આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 7.4% રહેવાનો અંદાજ છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ મજબૂત સ્થાનિક માંગ છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં માંગ સંતુલિત રહી છે, જેના કારણે ઉત્પાદન અને સેવાઓ ક્ષેત્રને ટેકો મળ્યો છે.
માળખાગત વિકાસ અને નાણાકીય શિસ્ત
ભારતની મજબૂત આર્થિક કામગીરી પાછળ માળખાગત સુવિધાઓમાં સતત રોકાણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રસ્તાઓ, રેલ્વે, લોજિસ્ટિક્સ અને ડિજિટલ માળખાગત સુવિધાઓ પર સરકારના વધતા ખર્ચથી રોજગાર અને આવકની તકોમાં વધારો થયો છે. સર્વેક્ષણ અનુસાર, નાણાકીય વર્ષ 2026માં રાજકોષીય ખાધ 4.8% રહેવાની ધારણા છે, જે નિયંત્રણમાં હોવાનું સૂચવે છે અને સરકારની નાણાકીય શિસ્ત દર્શાવે છે.
વૈશ્વિક જોખમો છતાં ભારત સુરક્ષિત
જોકે વૈશ્વિક સ્તરે મંદીનું જોખમ રહેલું છે, આર્થિક સર્વેક્ષણ સ્પષ્ટ કરે છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ ભારત માટે તાત્કાલિક મોટો મેક્રોઇકોનોમિક ખતરો નથી. મજબૂત વિદેશી હૂંડિયામણ અનામત, સ્થિર બેંકિંગ સિસ્ટમ અને નીતિ પર વિશ્વાસ ભારત માટે સુરક્ષા કવચ બની રહ્યા છે.
નિકાસ અને ટેકનોલોજી પર સરકારનું ધ્યાન
સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ચલણ સ્થિરતા માટે ઉત્પાદન અને મૂલ્યવર્ધિત નિકાસ વધારવી જરૂરી છે. ખાસ કરીને ટેકનોલોજી આધારિત નિકાસ પર ધ્યાન આપવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે, પ્રથમ વખત આર્થિક સર્વેક્ષણમાં AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) પર અલગ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકાર નવી ટેકનોલોજી અને ભવિષ્યના ક્ષેત્રોમાં ગંભીર રીતે રોકાણ કરવા ઈચ્છે છે.
રાજ્યો માટે ખાસ સલાહ
આર્થિક સર્વેક્ષણમાં રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અર્થતંત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે રોકડ ટ્રાન્સફર કરતાં મૂડી ખર્ચ (કેપેક્સ) પર વધુ ભાર મૂકે. આર્થિક સર્વેક્ષણ અનુસાર, જો ભારત માળખાગત રોકાણ, નિકાસ પ્રોત્સાહન અને નાણાકીય શિસ્ત જાળવી રાખશે, તો વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ દેશ ઝડપી અને સંતુલિત વિકાસના માર્ગ પર આગળ વધતો રહેશે.
આ પણ વાંચો : Americaથી ભારત પરત ફરશે ચોરાયેલી શિવ નટરાજ સહિત 3 અમૂલ્ય મૂર્તિઓ