સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ મોહમ્મદ આઝમ ખાનની કાયદાકીય મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બે પાન કાર્ડના કેસમાં રામપુર જેલમાં 10 વર્ષની સજા કાપી રહેલા આઝમ ખાન પર હવે EDએ પોતાનો સકંજો વધુ મજબૂત કર્યો છે. કાળા નાણાંના ઉપયોગ અને મની લોન્ડરિંગની આશંકા હેઠળ, ED દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

10 સ્થળો પર EDના મેગા દરોડા

બુધવારે વહેલી સવારે 7 વાગ્યે જ EDની અલગ-અલગ ટીમોએ રામપુર, સહારનપુર અને દિલ્હીમાં આઝમ ખાન સાથે જોડાયેલા 10 જેટલા સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં રામપુરમાં આવેલ તેમની જૌહર યુનિવર્સિટી, જેલ રોડ સ્થિત તેમનું નિવાસસ્થાન અને તેમના કેટલાક નજીકના સહયોગીઓના સ્થળોનો સમાવેશ થાય છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ EDએ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પાસેથી આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોની વિગતો માંગી હતી, જેના પરથી આ દરોડા પડવાની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

₹494 કરોડના ખર્ચનો હિસાબ ગાયબ

આ સમગ્ર તપાસનું મુખ્ય કેન્દ્ર આઝમ ખાનનું 'મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ' છે. મળતી માહિતી અનુસાર, જૌહર યુનિવર્સિટીના વિશાળ બાંધકામ પાછળ ખર્ચાયેલા અંદાજિત ₹494 કરોડનો સત્તાવાર હિસાબ આપવામાં આ ટ્રસ્ટ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ જંગી રકમના સ્ત્રોત અંગે સંતોષકારક જવાબો ન મળતા, 23 જૂનના રોજ ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હતું. આટલી મોટી રકમનો હિસાબ ન મળવાને કારણે બાંધકામમાં કાળા નાણાંનો મોટા પાયે ઉપયોગ થયો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.

આવકવેરા વિભાગની કડક નોટિસ 

આવકવેરા વિભાગે ટ્રસ્ટને નોટિસ ફટકારીને વર્ષ 2015 થી 2020 સુધીની આવક અને ખર્ચની સંપૂર્ણ વિગતો માંગી હતી.આ વિગતોમાં જૌહર યુનિવર્સિટી માટે ખરીદવામાં આવેલી જમીન, માળખાગત સુવિધાઓ અને બાંધકામ પાછળ ખર્ચાયેલા ફંડના પુરાવા રજૂ કરવાના હતા. આ ઉપરાંત, બીજી નોટિસ દ્વારા ટ્રસ્ટને કરોડો રૂપિયાનું જંગી દાન આપનારી 11 જેટલી શંકાસ્પદ કંપનીઓના રેકોર્ડ પણ માંગવામાં આવ્યા છે. જોકે, ટ્રસ્ટ આ માહિતી પૂરી પાડવામાં અસમર્થ રહ્યું છે અને જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ Iranના મિસાઇલ હુમલા બાદ UAE આક્રમક મૂડમાં, તહેરાન સાથે તમામ વેપાર સંબંધો પર રોક