Eiffel Tower Controversy: પેરિસનો એફિલ ટાવર સોમવારે નક્કી કરેલા સમયે ખુલી શક્યો નહોતો. તેનું કારણ કોઈ ટેક્નિકલ ખામી કે ખરાબ હવામાન નહીં, પરંતુ કર્મચારીઓનો વિરોધ હતો. આ વિવાદ એક દિવસ પહેલાં થયેલા એક ખાનગી પ્રવાસ સાથે જોડાયેલો છે. આરોપ છે કે BAPS સંગઠનના લગભગ 100 લોકોના પ્રતિનિધિમંડળના આગમન સમયે કેટલીક મહિલા કર્મચારીઓને તેમના કાર્યસ્થળ પરથી હટવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી ત્યાં પુરુષ કર્મચારીઓ હાજર રહી શકે.

BAPSના પ્રતિનિધિમંડળના પ્રવાસને લઈને વિવાદ

આ ઘટના શનિવારે બની હોવાનું કહેવાય છે. આ પ્રતિનિધિમંડળ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે જોડાયેલું હતું અને ફ્રાન્સના પેરિસ ઉપનગરમાં નવા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સાથે જોડાયેલા કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યું હતું. યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, પ્રતિનિધિમંડળના રસ્તામાંથી પસાર થતી વખતે કેટલીક મહિલા કર્મચારીઓને પોતાની જગ્યા છોડવા માટે કહેવામાં આવ્યું અને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને રાખવામાં આવ્યા.

મહિલા કર્મચારીઓને હટાવવાના આરોપ બાદ કર્મચારીઓમાં નારાજગી

યુનિયનના પ્રતિનિધિ ડિયાને દાવોઆને જણાવ્યું કે આ ઘટના બાદ કર્મચારીઓમાં નારાજગી વધતી ગઈ. સોમવારે સવારે તેમણે મેનેજમેન્ટ સાથે વાતચીત કરી અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન બને તેવી માંગ સાથે બેઠક કરી. આ જ કારણસર એફિલ ટાવર ખુલવામાં પણ મોડું થયું. તે દરમિયાન ત્યાં લગાવવામાં આવેલી નોટિસમાં માત્ર એટલું જણાવવામાં આવ્યું હતું કે કામગીરી સંબંધિત કારણોસર ટાવર ખુલવામાં વિલંબ થઈ રહ્યો છે.

SETEએ કર્મચારીઓની ફરિયાદોને ગંભીરતાથી લીધી

એફિલ ટાવરનું સંચાલન કરતી સંસ્થા SETEએ આ ઘટનાને લઈને કર્મચારીઓની ફરિયાદોને ગંભીરતાથી લીધી છે. સંસ્થાએ સ્વીકાર્યું કે પ્રતિનિધિમંડળની મુલાકાત એવી રીતે આયોજિત કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેથી મહિલા કર્મચારીઓ સાથે વાતચીત અથવા સંપર્ક ઓછામાં ઓછો રહે. SETEએ સ્વીકાર્યું કે આવી શરતો સ્વીકારવી જોઈતી ન હતી અને મામલાની તપાસ કરવાની વાત કરી છે. મેનેજમેન્ટે કર્મચારીઓની માફી પણ માંગી છે.

પેરિસના મેયરે તપાસના આદેશ આપ્યા

આ વિવાદ બાદ મામલો માત્ર એફિલ ટાવર સુધી સીમિત રહ્યો નથી. પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઆરે તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે કર્મચારીઓની નારાજગી યોગ્ય છે અને કોઈપણ સ્થિતિમાં લિંગ આધારિત ભેદભાવ સ્વીકારી શકાય નહીં. તેમનું કહેવું છે કે મહિલા અને પુરુષ બંનેને કોઈપણ ભેદભાવ વગર કામ કરવાનો અને જાહેર સ્થળોએ સ્વતંત્ર રીતે આવવા-જવાનો અધિકાર છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીની અધ્યક્ષ યાએલ બ્રોન-પિવેએ પણ આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિદેશી મહેમાનોની યજમાની કરવાનો અર્થ એવો ન હોઈ શકે કે ફ્રાન્સ પોતાના મૂળ્યો સાથે સમાધાન કરે. તેમના અનુસાર, ફ્રાન્સના જાહેર જીવનમાં મહિલાઓને અલગ કરવાની કોઈ જગ્યા નથી.

BAPSએ વિવાદ અંગે ખેદ વ્યક્ત કર્યો

BAPSએ આ વિવાદ અંગે ખેદ વ્યક્ત કર્યો છે. સંગઠને કહ્યું કે પ્રવાસનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે મળીને કરવામાં આવ્યું હતું, જેથી સામાન્ય પ્રવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. સંગઠને એમ પણ કહ્યું કે તેને એવી કોઈ ઘટનાની જાણ નહોતી જેમાં કોઈ મુલાકાતીને ટાવરમાં પ્રવેશતા રોકવામાં આવ્યો હોય. સાથે જ તેણે કહ્યું કે તે ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ગંભીરતાથી લે છે અને પરસ્પર સન્માનના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

BAPSના નવા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન વચ્ચે વિવાદ

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પેરિસ નજીક BAPSના નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉદ્ઘાટન સમયે કહ્યું હતું કે, આ મંદિર ભારતની પ્રાચીન માન્યતાઓ અને માનવીય મૂલ્યોને ફ્રાન્સ સુધી પહોંચાડવાની સાથે બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવશે.

આ પણ વાંચો: Parisમાં BAPS મંદિરના ઉદ્ઘાટન પર PM મોદીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું, "ભારત-ફ્રાન્સના સંબંધોનું પ્રતીક બનશે મંદિર"