વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકાની આગામી મધ્યવર્તી ચૂંટણીઓ (Midterm Elections) માટે રિપબ્લિકન પાર્ટીને સમર્થન આપતા નાણાંનો મોટો પ્રવાહ વહાવ્યો છે. તાજેતરના કેમ્પેઇન ફાઇનાન્સ રેકોર્ડ્સ અનુસાર, મસ્કે 2025-26 ના ચૂંટણી ચક્રમાં અત્યાર સુધીમાં આશરે 35 અબજ રૂપિયા ($366 મિલિયન) નું રેકોર્ડબ્રેક રાજકીય દાન આપ્યું છે. જુલાઈ મહિનાથી જ તેમણે 2660 કરોડ રૂપિયા ($276 મિલિયન) થી વધુ રકમ રિપબ્લિકન પાર્ટીને કોંગ્રેસ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ પર પોતાનો કબજો જાળવી રાખવામાં મદદ કરવા માટે આપી છે. આ વિરાટ યોગદાન સાથે મસ્ક આ વર્ષે વિશ્વના સૌથી મોટા રાજકીય દાતા બની ગયા છે.
દાન પાછળનું ગણિત અને વેપારી હિતો
એલોન મસ્ક માટે આ ચૂંટણી પરિણામો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મસ્કની વિમાન તથા એરોસ્પેસ કંપની 'સ્પેસએક્સ' (SpaceX) ને મળેલા સરકારી કોન્ટ્રાક્ટ્સની તપાસ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ રચાયેલા 'ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી' (DOGE) ના વડા તરીકે મસ્કના કામકાજ અંગે પણ વિપક્ષી નેતાઓ સવાલો ઉઠાવી રહ્યા છે. પોતાના વ્યાપારી સામ્રાજ્યને સરકારી તપાસથી બચાવવા અને વ્હાઇટ હાઉસમાં પ્રભાવ જાળવી રાખવા માટે મસ્કે આ મોટી વ્યૂહરચના બનાવી છે.
