મધ્ય-ઉત્તર નેપાળના પર્વતીય વિસ્તારોમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના આંચકામાંથી દેશ માંડ બહાર આવી રહ્યો હતો, ત્યાં ફરી એકવાર કુદરતે ભારે હોનારત સર્જી છે. ઉત્તર-મધ્ય નેપાળના ગોરખા જિલ્લામાં બુધી ગંડકી નદીના પ્રવાહમાં અચાનક આવેલા પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ આફતમાં ૫ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, જ્યારે સદનસીબે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ સ્થાનિક નાગરિકો અને વિદેશી પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
ભૂસ્ખલનના કારણે સરાજાયું પૂર અને વ્યાપક નુકસાન
સ્થાનિક પ્રશાસન અને વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, પૂર આવતા પહેલા ચુમચુરે ગામ નજીક પર્વત પર મોટું ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના મલબાને કારણે નદીનો કુદરતી પ્રવાહ રોકાઈ ગયો હતો અને કામચલાઉ બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. રવિવારે આ કામચલાઉ બંધ અચાનક તૂટી પડતા નદીમાં પૂરનો મોટો પ્રવાહ નીચે તરફ ધસી આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા પૂર્વ ચેતવણીઓ આપવામાં આવી હોવાથી મોટાભાગના લોકો સમયસર ઊંચા અને સુરક્ષિત વિસ્તારો તરફ ખસી ગયા હતા, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી.
https://x.com/iNikhilsaini/status/2109494889356403152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109494889356403152%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
જળવિદ્યુત પ્રોજેક્ટ્સના બાંધકામને ગંભીર નુકસાન
આ આફતના કારણે ગોરખા જિલ્લામાં ઘરો, ખેતરો, પાંચ મહત્વપૂર્ણ પુલો અને ત્રણ જળવિદ્યુત પ્રોજેક્ટ્સના બાંધકામ સ્થળોને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તાર ટ્રેકિંગ માટે ખૂબ પ્રખ્યાત હોવાથી અને ઓક્ટોબર મહિનો પ્રવાસન મોસમનો પીક સમય હોવાથી ઘણા પ્રવાસીઓ અહીં ફસાયા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં ૯ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. બચાવાયેલા ચીની પ્રવાસીના જણાવ્યા અનુસાર, તેમણે પૂર પહેલા ભૂકંપ જેવો પ્રચંડ ગડગડાટ સાંભળ્યો હતો.
રાહત કામગીરી અને હવામાનનો પડકાર
પર્વતીય પ્રદેશોમાં રસ્તાઓ અને પુલો ધોવાઈ જવાને કારણે રાહત સામગ્રી પહોંચાડવી અત્યંત પડકારજનક બની ગઈ છે. નેપાળી સેના દ્વારા સૈન્ય હેલિકોપ્ટરો અને ટ્રકો મારફતે ખોરાક, પાણી, દવાઓ અને તંબુઓ અસરગ્રસ્ત ગામો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જોકે, સોમવારે બપોરે જોરદાર પવન ફૂંકાવાને કારણે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત કરવી પડી હતી.
આ પણ વાંચોઃ સાઉદીમાં હૂતીઓનો તાબડતોબ એટેક, ક્રાઉન પ્રિન્સને કેમ રાખવા પડ્યા બંકરમાં?
ઓગસ્ટ મહિનામાં ચીન સરહદ નજીક આવેલા પૂરના કારણે ૧,૪૦૦થી વધુ લોકોના મોત થયા હતા. તે હોનારતમાંથી નેપાળ હજુ સાજી થઈ રહ્યું હતું ત્યાં આ નવી આફતે પુનઃનિર્માણના કાર્યોને વધુ જટિલ બનાવી દીધા છે. હાલમાં પ્રશાસનની પ્રાથમિકતા ગુમ થયેલા ૫ લોકોને શોધવાની અને કપાયેલા ગામડાઓ સુધી મદદ પહોંચાડવાની છે.