પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાંથી મોટા યુદ્ધ અપડેટ્સ સામે આવ્યા છે. યમનના હુતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર સતત અને ઘાતક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે દેશમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ગંભીર સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની સુરક્ષામાં ભારે વધારો કરવામાં આવ્યો છે અને તેમને અત્યંત સુરક્ષિત તથા ભારે કિલ્લેબંધીવાળા બંકરોવાળા મહેલોમાં સતત સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે.

ક્રાઉન પ્રિન્સ છેલ્લા એક અઠવાડિયાથી જાહેરમાં નથી જોવા મળ્યા

મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે 41 વર્ષીય ક્રાઉન પ્રિન્સ છેલ્લા એક અઠવાડિયાથી જાહેરમાં જોવા મળ્યા નથી. તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ખાસ પસંદ કરેલી ટીમ તૈનાત કરવામાં આવી છે અને તેઓ હાલ સંપૂર્ણપણે સુરક્ષિત બંકરો સુધી મર્યાદિત રહીને દેશની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

હુતી હુમલાઓ અને એરપોર્ટ પર થયેલી તારાજી

સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરોએ પોતાના હુમલાઓની તીવ્રતા ખૂબ જ વધારી દીધી છે. તાજેતરમાં રિયાધ સ્થિત કિંગ ખાલિદ એરપોર્ટ પર થયેલા એક ઘાતક હુમલામાં 13 લોકોના મોત નીપજ્યા હતા અને 300 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એરપોર્ટ પર થયેલા આ હુમલાને કારણે મુસાફરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. હુતી બળવાખોરોએ આગામી સમયમાં વધુ ભયાનક હુમલા કરવાની ખુલ્લી ચેતવણી પણ આપી છે.

માહિતી શેર કરવા પર કડક પ્રતિબંધ અને કાનૂની કાર્યવાહી

દેશમાં ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે સાઉદી પ્રશાસને સોશિયલ મીડિયા અને નાગરિકો માટે કડક નિયમો લાગુ કર્યા છે. સરકારે છ અલગ-અલગ ભાષાઓમાં એક સત્તાવાર ચેતવણી જારી કરી છે. આ ચેતવણીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ મિસાઇલો અને ડ્રોનને અટકાવવાની ક્ષણના, તે ક્યાં તૂટી પડ્યા છે તેના ફોટા, અથવા તેનાથી સંબંધિત કોઈપણ માહિતી શૂટ કરીને કે અફવાઓ રૂપે સોશિયલ મીડિયા પર શેર કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.

યુદ્ધ સંબંધી અફવાઓથી દૂર રહેવા અપીલ

અગાઉ મે મહિનામાં રાષ્ટ્રીય પ્રારંભિક ચેતવણી પ્રણાલી દ્વારા મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા પર ધમકીઓની નોટિફિકેશન મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, ગયા અઠવાડિયે હુતી હુમલાઓનું મોજુ ફરી વળવા છતાં આ સિસ્ટમ દ્વારા કોઈ નવી ચેતવણી જારી કરવામાં આવી ન હતી. નાગરિક સંરક્ષણ સત્તામંડળના એક્સ (X) હેન્ડલ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આ હુમલાઓ પહેલા છેલ્લી ચેતવણી 29 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પ્રાંત 'નજરાન' માટે આપવામાં આવી હતી. હાલ પ્રશાસન દ્વારા નાગરિકોને યુદ્ધ સંબંધી અફવાઓથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Panama Earthquake : પનામામાં 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ 147 આફ્ટરશોક્સ, જુઓ ભયાવહ Video