ઈરાનના 3 પરમાણુ ઠેકાણો પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓ બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારે હંગામો મચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે રાત્રે 12.30 વાગ્યે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકની માગ ઈરાન, રશિયા અને ચીન સહિત ઘણા દેશોએ કરી છે. બેઠકનો એજન્ડા અમેરિકા દ્વારા ઈરાનના ફોર્ડો, નતાંજ અને ઈસ્ફહાન સ્થિત પરમાણુ સ્થળો પર કરવામાં આવેલા હુમલા સાથે જોડાયેલા ઘટનાક્રમો પર ચર્ચા કરવાનો છે.
Iranના પરમાણુ પ્રોગ્રામને ખત્મ કરવાનું લક્ષ્ય: ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ
બીજી તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે રવિવારે ઈરાન પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ કરી રહ્યું નથી પણ તેનું લક્ષ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખત્મ કરવાનું છે. તેમને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આદેશ પર અમેરિકાએ જે હુમલો કર્યો છે, તેનાથી ઈરાનના પરમાણ કાર્યક્રમને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધો છે. જેડી વાન્સે કહ્યું કે અમે ઈરાનની વિરૂદ્ધ યુદ્ધ કરી રહ્યા નથી. અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમની વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છે. ઈરાનને હવે પરમાણુ હથિયાર વિકસિત કરવામાં ખુબ લાંબો સમય લાગી શકે છે. અમે ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છતા નથી. અમારૂ લક્ષ્ય માત્ર પરમાણુ કાર્યક્રમને ખત્મ કરવાનું છે.
ઈરાને ઈઝરાયેલ પર કર્યો વળતો હુમલો
ઈરાનના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ઈરાન પર રાતભરમાં હુમલા બાદ કોઈ એવી રેડ લાઈન નથી, જેને અમેરિકાએ પાર ના કરી હોય. ઈરાની વિદેશ મંત્રી અરઘચીએ કહ્યું કે કૂટનીતિ માટે દરવાજા હંમેશા ખુલ્લા રાખવા જોઈએ પણ હવે આ કરવાનો સમય નથી. એટલે હવે તેમના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન આ હુમલાને જલદી જ જવાબ આપી શકે છે. અમેરિકાના હુમલા કર્યા બાદ ઈરાને થોડા જ કલાકમાં ઈઝરાયેલ પર લગભગ 30 મિસાઈલો છોડી દીધી છે, જેને ઈઝરાયેલના તેલ અવીવ, હાઈફા જેવા શહેરોમાં ભારે તબાહી મચાવી છે.