ટેક જાયન્ટ Nvidia ના ભૂતપૂર્વ CEO જેન્સન હુઆંગને ફરીથી કંપનીનું સુકાન સોંપવા માટે કર્મચારીઓમાં ભારે સમર્થન જોવા મળી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, કંપનીના આંતરિક કર્મચારી સૂચન બોક્સમાં 1,600 થી વધુ ટિપ્પણીઓ આવી છે, જેમાં મોટાભાગના કર્મચારીઓએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હુઆંગને બીજી તક આપવા પર વિચાર કરવા અપીલ કરી છે.

બોસને પાછા લાવો..કર્મચારીઓની મોટી માગ

મીડિયા અહેવાલ મુજબ, કર્મચારીઓએ હુઆંગના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા લખ્યું છે કે, "જો તમે કંપનીના મિશનમાં વિશ્વાસ રાખો છો, તો બોસને પાછા લાવો." અન્ય એક કર્મચારીએ તેમનો બચાવ કરતા કહ્યું કે, "આપણે બધા માનવ છીએ અને ભૂલો થતી રહે છે. જેન્સને કંપની માટે ઘણું સારું કામ કર્યું છે અને તેઓ બીજી તકને પાત્ર છે."

જેન્સન સામે પારદર્શક તપાસ થવી જોઈએ

જેન્સન હુઆંગના સમર્થનમાં અવાજ ઉઠાવતા Nvidia ના એક કર્મચારીએ સમગ્ર કંપનીમાં એક ઇમેઇલ મોકલીને તેમના રાજીનામા પાછળના કારણોની પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. તેમણે "હું જેન્સનની સાથે ઉભો છું" તેમ લખીને દલીલ કરી હતી કે ન્યાયીપણાનો અર્થ એ નથી કે જેનું નેતૃત્વ કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેનાથી જ દૂર થઈ જવું. આ ઉપરાંત, Nvidia ના એક ભૂતપૂર્વ એન્જિનિયરે પણ સૂચન બોક્સમાં પોસ્ટ કરીને વિનંતી કરી છે કે સમગ્ર મામલાની જાહેરમાં તપાસ થાય અને CEO તરીકે હુઆંગની ભૂમિકા અંગે તમામ કર્મચારીઓનો ઔપચારિક અભિપ્રાય લેવામાં આવે. રાજીનામા બાદ 25 થી વધુ કર્મચારીઓએ LinkedIn પર પણ ખુલ્લેઆમ હુઆંગને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

કોલેટ ક્રેસને વચગાળાના CEO ની જવાબદારી સોંપાઈ

ઉલ્લેખનીય છે કે જેન્સન હુઆંગે ગુરુવારે પોતાના CEO પદ પરથી રાજીનામું આપીને પોતે સહ-સ્થાપિત કરેલી કંપની સાથેનો વર્ષો જૂનો નાતો તોડી નાખ્યો હતો. તેમના રાજીનામા બાદ Nvidia ના બોર્ડે જાહેરાત કરી છે કે જ્યાં સુધી કાયમી અનુગામીની પસંદગી ન થાય, ત્યાં સુધી કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) કોલેટ ક્રેસ વચગાળાના (Interim) CEO તરીકેની જવાબદારી સંભાળશે.


આ પણ વાંચો : Jensen Huang ના રાજીનામા પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ખુલાસો, કહ્યુ કે તેઓ નરક માંથી પસાર થઇ રહ્યા છે...