માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને અબજોપતિ પરોપકારી બિલ ગેટ્સે અમેરિકી સંસદ (US Congress) ની સમિતિ સમક્ષ એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હાઉસ ઓવરસાઈટ અને ગવર્નમેન્ટ રિફોર્મ કમિટી સમક્ષ બંધ બારણે આપેલી જુબાનીમાં ગેટ્સે દાવો કર્યો છે કે, કુખ્યાત ગુનેગાર જેફરી એપ્સટિન તેમના લગ્નેત્તર સંબંધો (Affairs) વિશે જાણતો હતો. આ અંગત માહિતીનો ઉપયોગ કરીને એપ્સટિન તેમની પર સતત દબાણ લાવવાનો અને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો હતો જેથી ગેટ્સ તેની સાથે બિઝનેસ પ્રોજેક્ટ્સમાં જોડાયેલા રહે.
'ચેરિટી માટે મળ્યો હતો, ગુનાઓથી અજાણ હતો'
બિલ ગેટ્સે સમિતિના અધ્યક્ષ જેમ્સ કોમર સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે તેઓ એપ્સટિનના સંપર્કમાં આવ્યા, ત્યારે તેઓ તેના ગંભીર સેક્સ ટ્રાફિકિંગ જેવા ગુનાઓથી બિલકુલ અજાણ હતા. ગેટ્સના જણાવ્યા મુજબ, તેઓ એપ્સટિનને માત્ર તેમની પરોપકારી પ્રવૃત્તિઓ (Philanthropic Activities) અને સામાજિક પ્રોજેક્ટ્સ માટે મોટું ભંડોળ એકત્ર કરવાના હેતુથી જ મળ્યા હતા. તેમણે ક્યારેય એપ્સટિનને કોઈ ગેરકાયદેસર કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા જોયો ન હતો. જોકે, ગેટ્સે સ્વીકાર્યું કે એપ્સટિન સાથેના આ સંબંધોને કારણે તેમના અંગત જીવન અને પરિવારને ભારે માનસિક દુઃખ સહન કરવું પડ્યું છે.
2019 માં જેલમાં એપ્સટિનનું રહસ્યમય મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, જેફરી એપ્સટિન ૨૦૦૮ માં ફ્લોરિડામાં વેશ્યાવૃત્તિના કેસમાં દોષી સાબિત થયો હતો અને 13 મહિના જેલમાં રહ્યો હતો. ત્યારબાદ ૨૦૧૯ માં તેની પર સગીર છોકરીઓની સેક્સ ટ્રાફિકિંગ (જાતીય શોષણ માટેની હેરફેર) ના ગંભીર આરોપો લાગ્યા હતા. જો કે, કેસની સુનાવણી શરૂ થાય તે પહેલા જ ન્યૂયોર્કની જેલમાં તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું, જેને સત્તાવાળાઓએ આત્મહત્યા ગણાવી હતી.
દસ્તાવેજોમાં ખુલાસા અને ગેટ્સ ફાઉન્ડેશનની તપાસ
તાજેતરમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા લાખો ગુપ્ત દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે, 2008 માં જેલમાંથી છૂટ્યા પછી પણ બિલ ગેટ્સ અને એપ્સટિન વચ્ચે ઘણી મુલાકાતો થઈ હતી. આ દસ્તાવેજોમાં કેટલીક મહિલાઓ સાથે ગેટ્સના ફોટોગ્રાફ્સ પણ મળ્યા છે, જેમાં મહિલાઓના ચહેરા ઢાંકેલા છે.
ફાઉન્ડેશનનું કડક વલણ
આ વિવાદ સામે આવ્યા બાદ, 'બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન' પણ એક્શનમાં આવ્યું છે. ફાઉન્ડેશને એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તેઓ એપ્સટિન સાથેના ભૂતકાળના તમામ સંબંધોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવી રહ્યા છે. ખુદ બિલ ગેટ્સે પણ કર્મચારીઓની બેઠકમાં સ્વીકાર્યું હતું કે એપ્સટિન પર ભરોસો કરવો એ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી.
તપાસના દાયરામાં અનેકોના નામ ખૂલ્યા
આ તપાસના દાયરામાં માત્ર બિલ ગેટ્સ જ નહીં, પરંતુ અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત રાજકારણ, બિઝનેસ અને શિક્ષણ જગતના અનેક દિગ્ગજોના નામ પણ સામે આવ્યા છે, જેઓ 1990 અને 2000 ના દાયકામાં એપ્સટિન સાથે સામાજિક કાર્યક્રમોમાં જોવા મળતા હતા.
આ પણ વાંચોઃ IRCTC : રેલવે મુસાફરો માટે ખુશખબર, ટ્રેન ઉપડ્યા બાદ આ ફીચરથી દેખાશે કઇ સીટ ખાલી છે!