અમેરિકાના ઇતિહાસના સૌથી ચર્ચિત અને શરમજનક જાતીય શોષણના કેસમાં હવે રાજકીય ભૂકંપ આવ્યો છે. દોષિત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સાથેના કથિત સંબંધોને લઇને ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને ગત ગુરૂવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ સમક્ષ પોતાની જુબાની આપી હતી. ન્યૂયોર્ક નજીક ચપ્પાક્વા ખાતે આવેલી ક્લિન્ટન પરિવારની હવેલીમાં બંધ બારણે આ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
હિલેરી ક્લિન્ટનનો ખુલાસો
તપાસ સમિતિ સમક્ષ હિલેરી ક્લિન્ટને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ જેફરી એપ્સ્ટેઇનને વ્યક્તિગત રીતે ક્યારેય મળ્યા નથી અને તેમને એપ્સ્ટેઇનની કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી નથી. જોકે, તેમણે એક મહત્વની વાત સ્વીકારી કે તેમના પતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભૂતકાળમાં કેટલીક યાત્રાઓ માટે એપ્સ્ટેઇનના ખાનગી વિમાનનો ઉપયોગ કર્યો હતો. વધુમાં, તેમણે સ્વીકાર્યું કે તેઓ ક્લિન્ટન ફાઉન્ડેશનના કાર્યક્રમોમાં એપ્સ્ટેઇનના સહયોગી ઘિસ્લેન મેક્સવેલને મળ્યા હતા, પરંતુ એપ્સ્ટેઇન સાથેનો કોઈ સંપર્ક તેમને યાદ નથી.
