પાકિસ્તાનમાં ફરી એક વખત ટ્રેન દુર્ઘટના સામે આવી છે. જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ ઘટના બલુચિસ્તાનના માસ્તુંગ જિલ્લાના દશ્ત તહસીલના સ્પાઝંદ શહેર નજીક બની હોવાનું જાણવા મળી રહ્યું છે. જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો જેના કારણે 6 કોચ પાટા પરથી ઉતરી ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે.
દુર્ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી શરૂ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હોવાનું જોવા મળે છે, જેમાં ઘણા મુસાફરો અંદર ફસાયેલા છે. આ ઘટના બાદ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. રેલવે કર્મચારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને ટ્રેનને પુનઃસ્થાપિત કરવા અને પાટા સાફ કરવા માટે કામ કરી રહ્યા છે. આ ઘટના એ જ વિસ્તારમાં બની છે, જ્યાં રેલવે ટ્રેક સાફ કરવા માટે કામગીરી કરી રહેલા પાકિસ્તાની સુરક્ષા દળો પર વિસ્ફોટકોથી હુમલો થયાના થોડા કલાકો પછી બની હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે નહીં. આ ઘટના બાદ મુસાફરો ગભરાઈ ગયા અને દોડી રહ્યા હતા. ઘણા લોકો ટ્રેનની અંદર ફસાઈ ગયા હતા. બચાવ કામગીરી માટે ઘણી ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.













