અમેરિકાના ફ્લોરિડાના દરિયાકાંઠે એક એવી ઘટના બની જેણે માનવ સાહસ અને નસીબની પરાકાષ્ઠા સાબિત કરી છે. બીકક્રાફ્ટ 300 કિંગ એર ટર્બોપ્રોપ વિમાન સમુદ્રમાં ક્રેશ થયા બાદ, 11 મુસાફરોએ પાંચ કલાક સુધી ઉછળતા મોજાં અને અનિશ્ચિતતા વચ્ચે સંઘર્ષ કર્યો અને આખરે તમામને સુરક્ષિત બચાવી લેવાયા છે.

એન્જિન ફેઈલ થતા દરિયામાં લેન્ડિંગ

આ ઘટના મંગળવારે બની હતી જ્યારે વિમાન બહામાસના માર્શ હાર્બરથી ફ્રીપોર્ટ તરફ જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું. પાયલોટે અત્યંત હોશિયારી બતાવી ફ્લોરિડાના વેરો બીચથી 80 કિમી દૂર મધદરિયે વિમાનનું 'વોટર લેન્ડિંગ' (Ditching) કરાવ્યું. વિમાન ડૂબે તે પહેલાં પાયલોટે તમામ ૧૦ મુસાફરોને લાઈફ રાફ્ટ પર ઉતારી દીધા હતા.

5 કલાકનો ખૌફનાક સંઘર્ષ

સમુદ્રની વચ્ચે ફસાયેલા આ 11 લોકો પાસે મદદ માંગવાનો કોઈ સીધો રસ્તો નહોતો. 3 થી 5 ફૂટ ઊંચા મોજાં અને તોફાની હવામાન વચ્ચે તેઓ માત્ર એક તાડપત્રી નીચે આશરો લઈને બેઠા હતા. બચાવ કામગીરીમાં જોડાયેલા મેજર પિયોવતીએ જણાવ્યું કે, "આટલા ઊંચા મોજાં વચ્ચે વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ અને 11 લોકોનું જીવતા રહેવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી."

ચમત્કારિક રેસ્ક્યુ ઓપરેશન

વિમાનનું ઇમરજન્સી બીકન (સીગ્નલ) સક્રિય થતા યુએસ કોસ્ટ ગાર્ડ અને એરફોર્સની ૯૨૦મી રેસ્ક્યુ વિંગ તરત જ હરકતમાં આવી હતી. સદનસીબે, એક ટીમ નજીકમાં જ તાલીમ મિશન પર હતી. બચાવકર્તાઓએ સૌથી પહેલા આકાશમાંથી મુસાફરોને શોધી કાઢ્યા અને તેમને સર્વાઇવલ કીટ તથા ખોરાક પૂરો પાડ્યો. ત્યારબાદ હેલિકોપ્ટરની મદદથી એક પછી એક તમામ ૧૧ લોકોને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

કાટમાળ પણ ન મળ્યો છતાં જીવ બચ્યા

અકસ્માત કેટલો ગંભીર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બચાવ ટીમને સમુદ્રમાં વિમાનનો કોઈ કાટમાળ પણ મળ્યો નહોતો, પ્લેન પૂરેપૂરું ગરકાવ થઈ ગયું હતું. બચાવ્યા બાદ તમામ મુસાફરોને મેલબોર્ન ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ તમામની હાલત સ્થિર છે અને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Donald Trump- Xi Jinping Meeting : બેઇજિંગમાં ટ્રમ્પ-શીની હાઈ-વોલ્ટેજ બેઠક, આખા વિશ્વની નજર આ બેઠક પર