અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં બાળકોમાં વધતા સોશિયલ મીડિયાના વ્યસન અને માનસિક સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોને રોકવા માટે એક ઐતિહાસિક કાનૂની વિજય મળ્યો છે. અપીલ કોર્ટે રાજ્યના સોશિયલ મીડિયા પ્રતિબંધિત કાયદા પર મૂકેલો સ્ટે ઉઠાવી લીધો છે, જેનાથી હવે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો માર્ગ સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે.
કાયદાની મુખ્ય જોગવાઈઓ
ગવર્નર રોન ડીસેન્ટિસે વર્ષ 2024 માં આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જે સમગ્ર અમેરિકામાં બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરતો સૌથી કડક કાયદો માનવામાં આવે છે. આ કાયદા હેઠળ 14 વર્ષથી નાની વયના બાળકો: સોશિયલ મીડિયા પર નવું એકાઉન્ટ બનાવી શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.14 અને 15 વર્ષના કિશોરો: જો તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તેમના માતાપિતા કે વાલીની લેખિત સંમતિ ફરજિયાત રહેશે.
કોર્ટનો બહુમતી ચુકાદો
11મી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સની 3-0ની બહુમતી બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. અપીલ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કાયદો ચોક્કસ સામગ્રી કે વિચારો પર પ્રતિબંધ મૂકવાને બદલે તટસ્થ રીતે લાગુ થાય છે. કોર્ટે નોંધ્યું કે આ નિયમ બાળકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા (First Amendment) પર બિનજરૂરી બોજ નાખ્યા વિના, તેમને સોશિયલ મીડિયાના જોખમી વ્યસન અને અલ્ગોરિધમ્સથી બચાવવા માટે અત્યંત જરૂરી છે. આ કાયદો ખાસ કરીને એવા પ્લેટફોર્મ્સને લક્ષ્ય બનાવે છે જે વ્યસનકારક ફીચર્સ અને ઓટો-પ્લે અલ્ગોરિધમ્સ દ્વારા બાળકોને કલાકો સુધી પ્લેટફોર્મ પર જકડી રાખે છે.
ટેક જૂથોનો વિરોધ અને કાયદાકીય લડાઈ
નેટચોઇસ (NetChoice) અને કમ્પ્યુટર એન્ડ કમ્યુનિકેશન્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન જેવા મોટો ટેક કંપનીઓના જૂથોએ આ કાયદા સામે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમની દલીલ હતી કે આ કાયદો યુઝર્સ અને સોશિયલ મીડિયા કંપનીઓના વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારોનું હનન કરે છે.
કાયદાને ગેરબંધારણીય ગણાવીને અમલ પર મનાઇ ફરમાવાઇ
અગાઉ 2025 માં, ફેડરલ જજ દ્વારા આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેના અમલ પર મનાઈ હુકમ (સ્ટે) જારી કરવામાં આવ્યો હતો. જોકે, અપીલ કોર્ટે હવે તે સ્ટે હટાવી દીધો છે અને કેસને તલ્લાહાસીની ફેડરલ કોર્ટમાં આગળની કાર્યવાહી માટે પાછો મોકલ્યો છે. અપીલ કોર્ટના આ નિર્ણયથી ટેક કંપનીઓએ ભારે નિરાશા વ્યક્ત કરી છે, જ્યારે બાળ સુરક્ષા ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતોએ તેને એક મોટું સકારાત્મક પગલું ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ Donald Trump નો વાઘ સાથે મસ્તી કરતો વીડિયો વાયરલ, ટ્રમ્પની આ પોસ્ટ બાદ વિવાદ વધુ વકર્યો, જાણો કેમ?