દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ 1073 માં ભારતીય કેપ્ટન સ્મિત માચર પર થયેલા જીવલેણ હુમલાને લઈને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં નેતન્યાહુએ ખુલાસો કર્યો છે કે આ હુમલો કરનાર ઓમાની કો-પાઇલટ આત્મઘાતી માનસિકતા ધરાવતો હતો અને તેણે ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારા હેઠળ ખાસ તાલીમ લીધી હતી.

મુસાફરો અને ક્રૂ સભ્યોએ કો પાયલટને લીધો કાબુમાં

નેતન્યાહુએ જણાવ્યું કે હુમલા બાદ જ્યારે મુસાફરો અને ક્રૂ સભ્યોએ ભેગા મળીને સહ-પાઇલટને કાબૂમાં લીધો, ત્યારે તે વારંવાર "મને મારી નાખો, મને મારી નાખો!" તેવી ચીસો પાડી રહ્યો હતો. ઇઝરાયલી વડા પ્રધાનના જણાવ્યા અનુસાર આ હુમલાખોરનો મુખ્ય અને એકમાત્ર ઉદ્દેશ્ય વિમાનને ક્રેશ કરવાનો હતો. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને, જ્યારે ઇઝરાયલને અપહરણની પ્રારંભિક ચેતવણી મળી, ત્યારે દેશની સુરક્ષા માટે ઇઝરાયલી ફાઇટર જેટ્સને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા કારણ કે અજાણ્યા અને અનિયંત્રિત પેસેન્જર પ્લેનની હિલચાલ અત્યંત જોખમી હતી.

સમગ્ર ષડયંત્ર પાછળ કોનું કનેક્શન?

આ સમગ્ર ષડયંત્ર પાછળ ઇરાનનું કોઈ કનેક્શન છે કે કેમ તેની એજન્સીઓ ગંભીરતાથી તપાસ કરી રહી છે. નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે હમાસ અને હિઝબુલ્લાહ જેવા ઇરાન સમર્થિત આતંકવાદી સંગઠનો અગાઉ પણ આવા કાવતરાં ઘડતા રહ્યા છે, અને આ ઘટના પણ તેનો જ કોઈ ભાગ છે કે કેમ તે હજુ તપાસનો વિષય છે. હાલમાં આરોપી કો-પાઇલટ સાઉદી અરેબિયાની કસ્ટડીમાં છે, જ્યાં તેની કડક પૂછપરછ ચાલી રહી છે, અને આગામી સમયમાં ઇઝરાયલ તથા UAE પણ આ તપાસમાં સામેલ થઈ શકે છે.

કો પાયલટે કર્યો હતો હુમલો

ઉલ્લેખનીય છે કે આ ફ્લાઇટમાં ઓમાની કો-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ અને ભારે રક્તસ્રાવ હોવા છતાં કેપ્ટન માચરે અદ્ભુત સાહસ દાખવીને કોકપિટનો દરવાજો ખોલ્યો હતો, જેના કારણે મુસાફરો અને ક્રૂ અંદર પહોંચી શક્યા હતા. આ ઉપરાંત, વિમાનમાં સવાર અન્ય બે ઓફ-ડ્યુટી પાઇલટ્સની મદદથી પ્લેનને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું, જેનાથી બોર્ડ પરના તમામ મુસાફરોના જીવ ચમત્કારિક રીતે બચી ગયા હતા.

આ પણ વાંચોઃ મને ખબર હતી કે કદાય આ છેલ્લી ક્ષણ છે..વાંચો PM મોદી અને સ્મિત મચ્છર વચ્ચે થઈ વાતચીત વર્ડ ટૂ વર્ડ