દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ એફઝેડ1073માં ગંભીર ઘટના બન્યાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલી અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, વિમાનના ઓમાની કો-પાઈલટે અમીરાતી પાઈલટ પર ચાકુથી હુમલો કર્યો હોવાની આશંકા છે. આ દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક મોટો ઘટાડો થયો હતો. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ફ્લાયદુબઈએ તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.
કોકપિટમાં પાઇલોટ પર ચાકુથી હુમલાનો દાવો
અહેવાલો અનુસાર ફ્લાઈટ દરમિયાન કોકપિટમાં બંને પાઈલટો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. એક પાઈલટે બીજા પાઈલટ પર ચાકુથી હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બંને પાઈલટોને ઈજા થઈ હોવાની માહિતી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
અચાનક નોઝ ડાઈવથી મુસાફરોમાં ભય
ઘટના દરમિયાન વિમાન અચાનક ઝડપથી નીચે તરફ ધસી ગયું હતું. ફ્લાઈટ ટ્રેકિંગના ડેટા મુજબ વિમાનની ઊંચાઈમાં હજારો ફૂટનો ઘટાડો થયો હતો. આ અચાનક ફેરફારથી મુસાફરોમાં ભારે ભય ફેલાયો હતો. ત્યારબાદ વિમાનને સ્થિર કરીને તબુક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
મુસાફરો બનીને બેઠેલા પાઈલટોએ મદદ કરી?
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં સામાન્ય મુસાફરો તરીકે મુસાફરી કરી રહેલા પાઈલટોની બીજી ટીમે કોકપિટની સ્થિતિ સંભાળવામાં મદદ કરી હતી. જોકે આ દાવાની તમામ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી.
હાઈજેક કે અન્ય કોઈ ઈરાદો? તપાસ ચાલુ
ઘટનાના પગલે શરૂઆતમાં હાઈજેકની આશંકા ઊભી થઈ હતી. જોકે ત્યારબાદ અલગ-અલગ અહેવાલોમાં ઘટનાને લઈને જુદા દાવા સામે આવ્યા છે. ઈઝરાયલી અધિકારીઓ હવે એ તપાસ કરી રહ્યા છે કે આ માત્ર પાઈલટો વચ્ચેની હિંસક ઝપાઝપી હતી કે વિમાન પર નિયંત્રણ મેળવવાનો કોઈ ઇરાદાપૂર્વકનો પ્રયાસ હતો. કેટલાક અધિકારીઓએ સંભવિત આતંકી એંગલને પણ નકારી કાઢ્યો નથી.
તબુકમાં સુરક્ષિત ઉતારાયું વિમાન
ફ્લાઈટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. ફ્લાયદુબઈના જણાવ્યા મુજબ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઘટનાની તપાસ માટે સંબંધિત સત્તાવાળાઓ સાથે એરલાઈન સહકાર આપી રહી છે.
ઘટનાએ ઊભા કર્યા ગંભીર સવાલો
ફ્લાઈટમાં કોકપિટની અંદર ખરેખર શું બન્યું, હુમલો કોણે કર્યો, તેનો હેતુ શું હતો અને વિમાનની ઊંચાઈમાં અચાનક ઘટાડો શા માટે થયો તે અંગે તપાસ ચાલુ છે. ઓમાની કો-પાઈલટની ભૂમિકા અંગેના દાવાની પણ સત્તાવાર તપાસ બાદ જ અંતિમ પુષ્ટિ થઈ શકશે.
આ પણ વાંચો : Flydubai ફ્લાઈટને ઓમાનના પાયલટે કરી હતી હાઇજેક કરવાની કોશિશ? ફાઈટર જેટ્સ કેમ દોડાવાયા? દુનિયાભરમાં ખળભળાટ