બાંગ્લાદેશના ઈતિહાસના સૌથી ચર્ચાસ્પદ અને હાઈપ્રોફાઈલ રાજકીય હત્યાકાંડમાં આશરે 45 વર્ષ પછી એક બહુ મોટી સફળતા મળી છે. બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને સત્તાધારી પક્ષ 'બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી' (BNP) ના સ્થાપક ઝિયાઉર રહમાનની હત્યાના આરોપી અને ગુનાના સમયથી જ ફરાર એવા પૂર્વ આર્મી મેજર મોહમ્મદ મોઝફ્ફર હુસૈનની ઢાકામાંથી ધરપકડ કરવામાં આવી છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (DB) એ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને મોઝફ્ફરને કસ્ટડીમાં લીધો છે.

45 વર્ષથી બદલીને રહેતો હતો ઓળખ

ડીબી ચીફ શફીકુલ ઈસ્લામે આ ધરપકડની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, 77 વર્ષીય પૂર્વ મેજર મોઝફ્ફર હુસૈન વર્ષ 1981માં થયેલા સૈન્ય બળવા અને હત્યાકાંડ બાદથી જ સતત ફરાર હતો. તે લાંબા સમય સુધી ભારત સહિતના અલગ-અલગ દેશોમાં ખોટી ઓળખ ધારણ કરીને છુપાયેલો રહ્યો હતો. આઈટી એનાલિસિસ અને આંતરિક ઇન્ટેલિજન્સ નેટવર્કની મદદથી પોલીસે તેને ઢાકાના બનાની ડીઓએચએસ (Banani DOHS) વિસ્તારમાંથી ઝડપી લીધો છે. કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેને સૈન્ય અદાલતની (Court Martial) કાર્યવાહી માટે મિલિટરી પોલીસને સોંપવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, 30 મે 1981ના રોજ ચટગાંવ (Chattogram) સર્કિટ હાઉસની મુલાકાતે ગયેલા તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયાઉર રહમાન પર મધ્યરાત્રિએ સેનાના કેટલાક બળવાખોર અધિકારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને તેમની ઘાતકી હત્યા કરી દીધી હતી. આ કેસના દસ્તાવેજો અનુસાર, મોઝફ્ફર હુસૈન એવા મુખ્ય કાવતરાખોરો અને સૈન્ય અધિકારીઓમાંથી એક હતો જેમણે રાષ્ટ્રપતિ પર સીધું ફાયરિંગ કર્યું હતું. તે સમયે આ કેસમાં 18 સૈન્ય અધિકારીઓ સામે કેસ ચાલ્યો હતો, જેમાં 13 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી, જ્યારે મોઝફ્ફર ભાગવામાં સફળ રહ્યો હતો અને તેના પર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

ઝિયાઉર રહમાનના પુત્ર તારિક રહમાન હાલમાં દેશના વડાપ્રધાન છે. તેમની આગેવાનીવાળી સરકાર માટે પોતાના પિતાના હત્યારાઓને પકડવાના વચન તરફ આ પ્રથમ અને સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ ધરપકડ બાદ બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર ભૂતકાળના સૈન્ય બળવાના પ્રકરણો ચર્ચાની એરણે ચડ્યા છે.

આ પણ વાંચો: Asaram: લંપટ આસારામને સુપ્રીમથી કોઈ રાહત નહીં, કોર્ટનો રાજસ્થાન સરકારને આદેશ