વધતી જતી મોંઘવારી અને શાળાઓ માટેના બજેટમાં ઘટાડાના વિરોધમાં સમગ્ર ફ્રાન્સમાં લગભગ 4,10,000 લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, માત્ર રાજધાની પેરિસમાં જ લગભગ 1,10,000 લોકો રસ્તા પર આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનો ફ્રાન્સના અનેક શહેરોમાં હિંસા, તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ બન્યાના માત્ર એક અઠવાડિયા પછી થયા છે. સતત ચાલી રહેલા આ પ્રદર્શનો રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની સરકાર પર દબાણ વધારી રહ્યા છે.


ફ્રાન્સના ગૃહ મંત્રી લોરેન્ટ નુનેઝે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનો દરમિયાન લગભગ 1000 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પોલીસે કાળા કપડાં પહેરેલા લોકોના જૂથો સાથે ભારે સંઘર્ષ કર્યો હતો, જેમને તેમણે 'અતિ-ડાબેરી ઉગ્રવાદીઓ' તરીકે ઓળખાવ્યા. નુનેઝે કહ્યું કે પ્રદર્શનો દરમિયાન પોલીસને અસાધારણ સ્તરની હિંસાનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને સંભાળવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે દેશભરમાં લગભગ 70000 સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.


મેક્રોન સરકાર માટે એક મોટો પડકાર

મે 2027 માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં લેતા આ સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો મેક્રોન વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની ગયા છે. સરકારે પોલીસને સૂચના આપી છે કે તેઓ પ્રદર્શનકારીઓને મુખ્ય શહેરી વિસ્તારો તેમજ દુકાનો અને વ્યવસાયો ધરાવતા વિસ્તારોથી દૂર રાખે. હિંસાને રોકવા માટે, પેરિસ અને અન્ય કેટલાક શહેરોના અમુક ભાગોમાં મર્યાદિત સમય માટે કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે.


એક અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ મેક્રોને અધિકારીઓને એવી સૂચના આપી છે કે જે વિરોધ પ્રદર્શનો ટ્રેડ યુનિયનો સાથે સંકળાયેલા નથી તેને અટકાવી દેવા; તેમણે આવા પ્રદર્શનોને ગેરકાયદેસર ગણાવ્યા છે. પોલીસે ટીયર ગેસ (અશ્રુવાયુ) અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. શનિવારે, પેરિસમાં ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. વિરોધ સ્થળે ટ્રેડ યુનિયનોના બેનરો અને મેક્રોન સરકાર તથા પોલીસની ટીકા કરતા પોસ્ટરો જોવા મળ્યા હતા.


સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, નુનેઝે કહ્યું કે લોકોને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કેટલાક લોકોએ આ વિરોધ પ્રદર્શનોને હિંસક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થી સંગઠનો અને મજૂર સંગઠનોએ જાહેરાત કરી છે કે તેઓ તેમના વિરોધ પ્રદર્શનો ચાલુ રાખશે. તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તેના સૂચિત બજેટ નિર્ણયો પાછા ખેંચે અને શિક્ષણ સહિતની આવશ્યક જાહેર સેવાઓ માટે વધુ ભંડોળ ફાળવે.

આ પણ વાંચો: Suratના વેસુમાં કાળજું કંપાવનારી દુર્ઘટના, કારની અડફેટે આવતા અઢી વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત