ફ્રાન્સમાં મોંઘવારી, કથળતી શિક્ષણ વ્યવસ્થા અને પોલીસ હિંસા સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. શનિવારે સમગ્ર દેશમાં અંદાજે 5,50,000 થી વધુ લોકો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાજધાની પેરિસ ઉપરાંત રેન્સ, લિયોન અને માર્સેલી જેવા પ્રમુખ શહેરોમાં આ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. દેશના ગૃહમંત્રી લોરેન્ટ નુન્સના જણાવ્યા અનુસાર એકલા પેરિસમાં 1,10,000 થી વધુ લોકો એકઠા થયા હતા, જ્યારે પ્રદર્શનના આયોજકોએ આ સંખ્યા ઘણી વધારે હોવાનો દાવો કર્યો છે.
ફ્રાન્સમાં હિંસા વધુ વકરી
આ આંદોલનની શરૂઆત ગયા મહિને વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓની સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી હતી, જે હવે વ્યાપક સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને યુવાનોની મુખ્ય માંગણીઓમાં વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી, શિક્ષકો માટેનું બજેટ વધારવું, પર્યાવરણને અનુકૂળ શાળાકીય માળખું ઊભું કરવું અને યુવાનો પર થતી પોલીસ હિંસાનો અંત લાવવાનો સમાવેશ થાય છે. છેલ્લા 15 વર્ષોમાં વધતા જન્મદર સામે શિક્ષણ ભંડોળમાં થયેલા કાપને કારણે શિક્ષકોની અછત સર્જાઈ છે. શિક્ષણ પ્રધાન એડૌર્ડ જાફ્રે વિદ્યાર્થીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
195 લોકોની અટકાયત કરી
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હિંસા અને તોડફોડના બનાવો બન્યા હતા. ઉત્તેજિત ટોળાએ ઐતિહાસિક પ્રતિમાઓ, દુકાનો અને સરકારી ઇમારતોને લક્ષ્ય બનાવી આગચંપી કરી હતી. લીલી અને માર્સેલીમાં વિરોધ પ્રદર્શનકારીઓ સરકારી કચેરીઓમાં ઘૂસી ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. પ્રદર્શન સમાપ્ત થયા બાદ પણ પેરિસમાં લૂંટફાટ અને દુકાનોમાં આગ ચાંપવાના બનાવો બન્યા હતા, જેના સંદર્ભમાં પોલીસે અત્યાર સુધીમાં 195 લોકોની અટકાયત કરી છે.
મેક્રોનના શાસનમાં લોકશાહી નબળી પડી
બીજી તરફ, નાગરિકોમાં સરકાર અને પોલીસ વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના શાસનમાં લોકશાહી નબળી પડી છે અને દેશની સંપત્તિ તેમજ મીડિયા અમુક અબજોપતિઓના હાથમાં કેન્દ્રિત થઈ ગયા છે. આ સાથે પોલીસ કાર્યવાહીની બર્બરતા પર પણ સવાલો ઊભા થયા છે. તાજેતરમાં જ પોલીસ કાર્યવાહી દરમિયાન એક 14 વર્ષના સગીરનું જડબું તૂટી ગયું હતું અને એલેન્કોન શહેરમાં એક પોલીસ અધિકારી છોકરીનું ગળું પકડતો કેમેરામાં કેદ થયો હતો.
સરકારી મિલકતોને નુકસાન પહોંચનાકા સામે કાર્યવાહી
રાષ્ટ્રપતિ મેક્રોને તોફાનીઓની આકરા શબ્દોમાં ટીકા કરતાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી મિલકતો અને દુકાનો પર હુમલો કરનારા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. પેરિસ પોલીસે પણ તોફાનીઓ સામે પીછેહઠ ન કરવાની જાહેરાત કરી છે, જેના કારણે ફ્રાન્સમાં આગામી દિવસોમાં તણાવ વધુ વધવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ Kolkata Durga Puja: દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગમાં 19ના મોત, ઘાયલોને મળશે અમિત શાહ અને સુવેન્દુ અધિકારી