ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સરકાર સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન વધુ આક્રમક બની રહ્યા છે. સતત ત્રીજા સપ્તાહના અંતે ફુગાવો, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ અને સરકારી સેવાઓની નબળી સ્થિતિ સામે સમગ્ર દેશમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે દેશભરમાં આશરે 3,20,000 લોકો રસ્તા પર ઉતર્યા હતા, જેમાં એકલા પેરિસમાં જ 70,000 થી વધુ લોકો પ્રદર્શનમાં જોડાયા હતા. જોકે, અગાઉના અઠવાડિયાની સરખામણીએ ઉપસ્થિતિ ઘટી છે (24 ઓક્ટોબરે 4.10 લાખ અને 17 ઓક્ટોબરે 5.50 લાખ લોકો હતા), છતાં તણાવ ઓછો થયો નથી.
પોલીસ સાથે ઘર્ષણ અને હિંસક બનાવો
પેરિસ, લિયોન, ટુલૂઝ અને માર્સેલી જેવા પ્રમુખ શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું. સ્થિતિને અંકુશમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. શરૂઆતમાં કૂચ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ માર્ચના અંતમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ અને લૂંટફાટના પ્રયાસો કર્યા હતા. બોર્ડેક્સ અને માર્સેલમાં પણ દુકાનો અને સરકારી ઇમારતોને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો. ડાબેરી નેતા જીન-લુક મેલેન્ચોને પેરિસમાં માર્ચનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ વહીવટીતંત્રે પરવાનગી ન આપતાં સ્થિતિ વધુ વણસી હતી.
હેલોવીન અને માસ્ક પાછળ હિંસાનો ભય
અધિકારીઓને ડર છે કે હેલોવીનની ઉજવણી દરમિયાન પ્રદર્શનકારીઓ માસ્ક પહેરીને પોતાની ઓળખ છુપાવી હિંસા અને લૂંટફાટ આચરી શકે છે. ગૃહ પ્રધાન લોરેન્ટ નુનેઝે ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂર પડ્યે ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરાશે.
પ્રદર્શનની શરૂઆત અને મોટું આર્થિક નુકસાન
આ આંદોલનની શરૂઆત સપ્ટેમ્બરના અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. શાળા-કોલેજોની નબળી સ્થિતિ અને પ્રવેશ પ્રક્રિયા સામે શરૂ થયેલા આ આંદોલનમાં બાદમાં મજૂર સંગઠનો અને 'યલો વેસ્ટ' ચળવળના સભ્યો જોડાયા હતા. ફ્રેન્ચ ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ અઠવાડિયાની હિંસાના કારણે વેપારીઓ અને દુકાનદારોને ૧ અબજ યુરો (આશરે ₹૧૦,૦૦૦ કરોડ)થી વધુનું ભારે નુકસાન થયું છે.
મેક્રોન સરકાર પર વધતું દબાણ
હાલમાં ફ્રેન્ચ અર્થતંત્ર સંકોચાઈ રહ્યું છે અને દેશનું જાહેર દેવું GDPના 120% સુધી પહોંચી ગયું છે. રેટિંગ એજન્સી ફિચે પણ ફ્રાન્સના દેવાના અંદાજને નકારાત્મક આપ્યો છે. સરકાર દ્વારા શિક્ષણ અને ઇંધણ ક્ષેત્રે રાહત આપવાની જાહેરાત કરાઈ હોવા છતાં, પ્રદર્શનકારીઓ સંપૂર્ણ સત્તા પરિવર્તન અને આર્થિક સુધારાની માંગ પર અડગ છે.
આ પણ વાંચોઃ Ramlila Maidan Rally Live: 'ચલો દિલ્હી' માર્ચથી વિપક્ષનો હલ્લાબોલ, રામલીલા મેદાનમાં ‘INDIA’ ગઠબંધનની મહારેલી