યુરોપ હાલમાં કુદરતના ભયાનક અને કાળઝાળ સ્વરૂપનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો અને સ્પેનના મધ્ય ભાગોમાં જંગલની આગ (દાવાનળ) એટલી બેકાબૂ બની ગઈ છે કે અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોને પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું છે. રેસ્ક્યુ ઓપરેશનમાં હજારો સૈનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓ સામેલ છે.

ફ્રાન્સમાં દરિયાઈ માર્ગે રેસ્ક્યુ 

ફ્રાન્સના ગિરોન્ડ અને લેન્ડેસ વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાંથી આશરે 1,41,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફ્રાન્સના કિનારે જાણીતા આર્ચચોન અને કેપ ફેરેટ વિસ્તારમાંથી 1,500 જેટલા લોકોને વોટર ટેક્સીઓ અને મોટી બોટો દ્વારા સમુદ્ર રસ્તે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હવા બદલાતા આ આગ હવે 140 ચોરસ કિલોમીટરમાં ફેલાઈને ગીચ વસ્તી ધરાવતા બોર્ડો શહેર તરફ વધી રહી છે. ઘટનાની ગંભીરતા જોઈને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 'ક્રાઇસિસ રિસ્પોન્સ યુનિટ' સક્રિય કરી સેનાને મેદાનમાં ઉતારવાના આદેશ આપ્યા છે.

સ્પેનના ઇતિહાસમાં પહેલીવાર 'રાષ્ટ્રીય કટોકટી'

બીજી તરફ, સ્પેનમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે સરકારે દેશના ઇતિહાસમાં પહેલીવાર દાવાનળના કારણે 'રાષ્ટ્રીય કટોકટી' (National Emergency) જાહેર કરવી પડી છે. રાજધાની મેડ્રિડ અને આવિલા પ્રાંતમાંથી 60,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મેડ્રિડ નજીક બે અલગ-અલગ આગ ભેગી થઈને ભયાનક રૂપ ધારણ કરી ચૂકી છે. અધિકારીઓ હાલ 16મી સદીના ઐતિહાસિક મહેલ અને મઠ 'એસ્કોરિયલ'ને બચાવવા માટે સતત મથામણ કરી રહ્યા છે.

ભીષણ ગરમી અને માનવ સર્જિત કારણો

રેકોર્ડબ્રેક 39 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન, કાળઝાળ ગરમી અને જોરદાર પવનના કારણે આ આગ ઝડપથી ફેલાઈ રહી છે. ફ્રાન્સમાં આગનું કારણ અકસ્માત માનવામાં આવે છે, જ્યારે સ્પેનના આવિલામાં પ્રતિબંધિત વિસ્તારમાં ભારે મશીનરી ચલાવવાના આક્ષેપ હેઠળ એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જેની તણખાથી આગ ભડકી હોવાની શંકા છે.

યુરોપીયન યુનિયન (EU) પાસે મંગાઈ મદદ

આગના વિકરાળ સ્વરૂપને જોતા ફ્રાન્સ અને સ્પેને યુરોપીયન યુનિયન પાસે મદદ માંગી છે. ક્રોએશિયા, પોર્ટુગલ, સ્લોવાકિયા, ઇટાલી અને ગ્રીસ જેવા દેશોએ આ બંન્ને દેશોની મદદ માટે ખાસ અગ્નિશામક વિમાનો અને બ્લેક હોક હેલિકોપ્ટર મોકલ્યા છે.

આ પણ વાંચો: Pakistanના ખૈબર પખ્તુનખ્વાની બાજૌરમાં બોમ્બ બ્લાસ્ટ, બે લોકોના મોત