ઈરાનના ઐતિહાસિક શહેર અબાદાનનું નામ આજે ફરી ચર્ચામાં છે.ખાસ કરીને મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવને કારણે. એક સમય હતો જ્યારે આ શહેર માત્ર ઉદ્યોગિક કેન્દ્ર નહોતું,પણ વૈભવ,આધુનિકતા અને ગ્લોબલ જીવનશૈલી માટે પ્રતિક હતું.1939માં સ્થાપિત થયેલ Abadan Institute of Technology (AIT) એ આ શહેરને વિશ્વના નકશા પર અનોખું સ્થાન અપાવ્યું હતું.

મિડલ ઈસ્ટનું પેરીસ ગણાતું શહેર

1940થી 1970ના દાયકાઓ દરમિયાન AIT “ગોલ્ડન એરા” ગણાતું.તે સમયમાં બ્રિટિશ કંપની Anglo-Iranian Oil Company (AIOC) જે પછી BP તરીકે જાણીતી બની,એ અબાદાનને “મિડલ ઈસ્ટનું પેરિસ” બનાવી દીધું હતું. અહીંના ઇજનેરોની જીવનશૈલી એટલી વૈભવી હતી કે આજના સિલિકોન વેલીના ટોચના પ્રોફેશનલ્સ પણ પાછળ રહી જાય.

ઇજનેરો માટે યુરોપથી આવતા શાકભાજી-ફળો

તે સમયના સિનિયર ઇજનેરોને બ્રિટનના ઉચ્ચ અધિકારીઓ જેટલી જ સેલેરી મળતી હતી.તેમની સુવિધાઓ માટે તાજા ફળ, શાકભાજી અને માંસ યુરોપમાંથી વિમાન દ્વારા લાવવામાં આવતું હતા.અબાદાનના ‘બરાવડા’ વિસ્તારમાં ખાસ સ્વિમિંગ પૂલ, ગોલ્ફ કોર્સ અને ક્લબ બનાવવામાં આવ્યા હતા.અહીં હોલિવૂડની ફિલ્મો તે જ દિવસે રિલીઝ થતી હતી જે દિવસે તે ન્યૂયોર્કમાં દેખાડવામાં આવતી.

AITના ગ્રેજ્યુએટ્સની વિશ્વભરમાં ભારે માંગ હતી

એક સામાન્ય ઈરાની યુવાન માટે AITમાં પ્રવેશ મેળવવો એ જીવન બદલાવનાર તક ગણાતી.ગરીબીમાં જીવતા યુવાનો અહીંથી અભ્યાસ કરીને પેટ્રોલિયમ એક્સપર્ટ બની જતા.તેમની ઓળખ સુટ-બૂટ,સિગાર અને લક્ઝરી કારોથી થતી. AITના ગ્રેજ્યુએટ્સની વિશ્વભરમાં ભારે માંગ હતી અને તેઓને મોટી ઓઈલ કંપનીઓમાં તરત નોકરી મળી જતી.

ઈરાન-ઈરાક યુદ્ધે અબાદાનનો નાશ કરી નાખ્યો

પરંતુ આ સુવર્ણ યુગ લાંબો ટક્યો નહીં. 1979ની ઈરાનિયન રિવોલ્યુશને સમગ્ર દેશની રાજકીય અને આર્થિક વ્યવસ્થાને બદલી નાખી.ત્યારબાદ 1980ના દાયકામાં થયેલા ઈરાક-ઈરાન યુદ્ધે અબાદાનને ભારે નુકસાન પહોંચાડ્યું.એ શહેર જ્યા રહેવું એ એક અમીરોનું સપનું ગણાતું એ શહેર યુદ્ધનું મુખ્ય નિશાન બન્યું.અને અબાદનને સંપૂર્ણ નાશ કરવામાં કોઈ કસર ના છોડાઈ હતી.

AITનું PUT તરીકે રુપાંતરણ થયું

આ ઘટનાઓ પછી AITનું રૂપાંતરણ થઈને આજે તે Petroleum University of Technology (PUT) તરીકે ઓળખાય છે. આજે પણ તે ઈરાનના અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ છે,પરંતુ તેની જૂની વૈભવી ઓળખ હવે ઇતિહાસ બની ગઈ છે.

હાલના સમયમાં Iran અને Israel વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી છે.એક સમયે “ડ્રીમ જૉબ” ગણાતા પેટ્રોલિયમ ક્ષેત્ર હવે જોખમ અને અનિશ્ચિતતા સાથે જોડાયો છે.જ્યાં પહેલાં વૈભવ અને ગ્લોબલ લાઈફસ્ટાઈલની ચર્ચા થતી, ત્યાં આજે સર્વાઇવલ અને સુરક્ષાની વાતો થાય છે.

અબાદાનની આ કહાની માત્ર એક શહેર કે સંસ્થાની નથી, પણ સમય સાથે બદલાતા ઇતિહાસની સાક્ષી છે.તે આપણને બતાવે છે કે કેવી રીતે વૈભવનું શિખર પણ રાજકીય અને યુદ્ધની પરિસ્થિતિઓમાં પળવારમાં બદલાઈ શકે છે.

આ પણ વાંચો :America માં વેપાર માટે વિદેશી સિક્કાઓનો ઉપયોગ થતો હતો