G-7 સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર આકરા પ્રહાર કર્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ પ્રસ્તાવ માટે ચાલી રહેલા મહત્વના પ્રયાસો વચ્ચે ઇઝરાયલે લેબનોન પર કરેલા હુમલાને લઈને ટ્રમ્પે નેતન્યાહૂની જાહેરમાં ટીકા કરી છે. ટ્રમ્પનું માનવું છે કે આ હુમલાઓ શાંતિ પ્રક્રિયાને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે.


"મારા વિના ઇઝરાયલનું અસ્તિત્વ મુશ્કેલ"

ટ્રમ્પે કતારના અમીર સાથેની વાતચીત દરમિયાન પોતાના દાવા પર ભાર મૂકતા કહ્યું કે, અમેરિકાના સમર્થન અને તેમના વ્યક્તિગત પ્રયાસો વિના ઇઝરાયલનું અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે નેતન્યાહૂએ લેબનોન પર હુમલો કરીને ખોટો નિર્ણય લીધો છે. તેમણે એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ આ હુમલાથી અત્યંત ગુસ્સે હતા અને તેમણે નેતન્યાહૂને પણ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પના મતે, નેતન્યાહૂમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ જોવા મળે છે.

લેબનોન અને જવાબદારીનો મુદ્દો

ટ્રમ્પે લેબનોનની હાલની સ્થિતિ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું, "લેબનોન એક સમયે પ્રોફેસરો, ડોકટરો અને વકીલો ધરાવતો બુદ્ધિશાળી દેશ હતો, પરંતુ હવે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે." ટ્રમ્પે ચેતવણીના સૂરમાં કહ્યું કે, હવે બીબીએ લેબનોન મામલે વધુ જવાબદાર બનવું પડશે. આ નિવેદન બંને નેતાઓ વચ્ચેના વધતા જાહેર મતભેદોને સ્પષ્ટપણે દર્શાવે છે.

શાંતિ કરાર અને ઇઝરાયલની ભૂમિકા

ઈરાન અને અમેરિકા વચ્ચેના શાંતિ કરારની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જ બેરૂત પર થયેલા આ હુમલાએ નવી અડચણ ઉભી કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે કરાર પર હસ્તાક્ષર થાય તે પહેલા જ ઇઝરાયલની આ કાર્યવાહીથી તેઓ આશ્ચર્યચકિત અને નિરાશ છે. બીજી તરફ, ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી લેબનોનમાં પોતાની કાર્યવાહી ચાલુ રાખશે. જ્યારે ઈરાનના વિદેશ પ્રધાને શરત મૂકી છે કે, જ્યાં સુધી ઇઝરાયલી દળો લેબનીઝ પ્રદેશોમાંથી પાછા નહીં ફરે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત ગણાશે નહીં.

ટ્રમ્પની નેતન્યાહૂને ચેતવણી

આ ઘટનાક્રમ દર્શાવે છે કે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાના પ્રયાસો અને ઇઝરાયલની સૈન્ય વ્યૂહરચના વચ્ચે મોટો સંઘર્ષ ઉભો થયો છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પની આ ચેતવણી બાદ નેતન્યાહૂ પોતાની રણનીતિમાં કોઈ બદલાવ લાવે છે કે કેમ.

આ પણ વાંચોઃ Donald Trump: બર્થડે પર ટ્રમ્પને મારવાનો હતો પ્લાન, FBIની સતર્કતાએ પાંચ શંકાસ્પદોની કરાઇ ધરપકડ

  • Follow us on: