ઇઝરાયલી હુમલાઓથી પહેલાથી જ તબાહ થયેલા ગાઝા પટ્ટીમાં શિયાળાના પ્રથમ ભારે તોફાની વરસાદે વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટે ભયંકર માનવતાવાદી સંકટ ઊભું કર્યું છે. ગાઝામાં વિસ્થાપિતો રહેતા હતા તેવા 70,000 થી વધુ પરિવારોના તંબુ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અથવા પવનના કારણે ફાટીને નાશ પામ્યા છે. કડકડતી ઠંડી, પૂર અને તોફાની પવન વચ્ચે અસંખ્ય પરિવારો ખુલ્લા આકાશ નીચે બેઘર બની ગયા છે, જેના કારણે હવે સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે.

12 કલાકમાં 15% વાર્ષિક વરસાદ અને બચાવ કાર્યમાં મુશ્કેલી

ગાઝા મ્યુનિસિપાલિટીના આંકડા અનુસાર, શહેરમાં માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં 60 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે તેમના વાર્ષિક સરેરાશ વરસાદના 15% જેટલો છે. સતત વરસાદને કારણે 270 થી વધુ શિબિરો પૂરના સીધા જોખમ હેઠળ આવી ગયા છે. યુદ્ધ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલી ડ્રેનેજ સિસ્ટમની ક્ષમતા ઘટીને માત્ર 20% રહી ગઈ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તા મહમૂદ બસલે જણાવ્યા અનુસાર, મોડી રાત્રે મદદ માટે 1,500 થી વધુ ઇમરજન્સી કોલ આવ્યા હતા. પરંતુ જરૂરી સાધનો અને ભારે મશીનરીના અભાવે બચાવ ટીમો અસહાય બની ગઈ હતી. પૂરના પાણીમાં લોકોના ગાદલા, પલંગ અને શિયાળાના ગરમ કપડાં પલળીને બરબાદ થઈ ગયા છે. આ સિવાય યુદ્ધમાં જર્જરિત થયેલી દિવાલો અને પતરાની છત ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જ્યારે પ્રાથમિક અંદાજ મુજબ $3 મિલિયનથી વધુનું નુકસાન થયું છે.

2,00,000 પ્રિફેબ્રિકેટેડ ઘરોની તાત્કાલિક જરૂરિયાત

યુદ્ધવિરામ કરાર છતાં, ઇઝરાયલ દ્વારા ગાઝામાં પ્રિફેબ્રિકેટેડ કેબિન ઘરો (કારવાં) અને રાહત સામગ્રી લાવવા પર નિયંત્રણો ચાલુ રખાયા છે. ગાઝા મ્યુનિસિપાલિટીએ ચેતવણી આપી છે કે હાલમાં 20,00,000 આવા કામચલાઉ ઘરો અને માળખાકીય રાહત સામગ્રીની સખત જરૂર છે. ગાઝા શહેરના માત્ર 30% ભાગમાં લગભગ 10 લાખથી વધુ વિસ્થાપિતો ફસાયેલા છે.
https://x.com/RabbiEpsteinJef/status/2119453053015535838?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119453053015535838%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

1.98 મિલિયન નાગરિકોને આશ્રયની જરૂર

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWA અને UNOCHA ના રિપોર્ટ અનુસાર, ગાઝાની 94% વસ્તી (લગભગ 1.98 મિલિયન લોકો) ને તાત્કાલિક આશ્રય અને જીવનજરૂરી સામગ્રીની જરૂર છે. જેમાંથી 9,50,000 લોકો અત્યંત જોખમી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહી રહ્યા છે. સ્થાનિક સત્તાવાળાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ માંગ કરી છે કે શિયાળામાં માનવતાવાદી સહાય અને ભારે મશીનરી સરળતાથી પહોંચી શકે તે માટે સરહદી ક્રોસિંગ તાત્કાલિક પૂર્ણપણે ખોલવામાં આવે.

આ પણ વાંચોઃ Delhiની હવા બની વધુ ઝેરી, ફટાકડાના ધુમાડાથી AQI 400ને પાર, લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી