અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા છે. ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષમાં પોતાને વિજેતા જાહેર કરનારા ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક પછી એક ત્રણ પોસ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જો બાઈડન, ઈરાન અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે જ તેમણે નાટો (NATO) ના સહયોગી દેશોને પણ આડેહાથ લીધા છે.


ઓબામા અને બાઈડન પર સાધ્યું નિશાન

ટ્રમ્પે પોતાની પહેલી પોસ્ટમાં ડેમોક્રેટ્સ અને પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા પર કટાક્ષ કરતા લખ્યું, "ઓબામા ઈરાનને અબજો ડોલર રોકડા આપતા રહ્યા અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશ પર લગામ લગાવવા માટે આપણી નબળી પડેલી સેનાનો ક્યારેય ઉપયોગ ન કર્યો. ઈરાન ઓબામાને 'સ્લીપી જો બાઈડન'ની જેમ જ એક નબળા અને બેઅસર નેતા માનતું હતું. મારા આવ્યા પહેલા ઈરાન 47 વર્ષ સુધી મનમાની કરતું રહ્યું, પણ હવે બધું બદલાઈ ગયું છે અને અમેરિકાની શાનદાર વાપસી થઈ છે."

ઈટાલીના પીએમ મેલોની સાથે વધ્યો વિવાદ

બીજી પોસ્ટમાં ટ્રમ્પે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને નિશાન બનાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો કે ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન મેલોનીની લોકપ્રિયતા ઘટી રહી હોવાથી તેમણે મારી સાથે વારંવાર ફોટો પડાવવાની વિનંતી કરી હતી.

ટ્રમ્પનો ગંભીર આરોપ: "જ્યારે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાની વાત આવી ત્યારે મેલોની અને નાટો દેશોએ અમેરિકાનો સાથ આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે આપણને ઈટાલીના રનવેનો ઉપયોગ પણ કરવા ન દીધો, જેનાથી લોજિસ્ટિકલ સમસ્યાઓ થઈ. હવે જ્યારે અમેરિકાએ ઈરાનને હરાવી દીધું છે, ત્યારે તે પોતાની લોકપ્રિયતા વધારવા ફરી દોસ્તી કરવા માંગે છે. પણ, નો થેન્ક યુ!!!"

આ પહેલા મેલોનીએ પણ ટ્રમ્પના દાવાઓને ખોટા અને આશ્ચર્યજનક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ઈટાલી ક્યારેય કોઈની સામે ગિડગિડાવતું નથી.

'ઈરાન પાસે હવે નથી કોઈ સેના'

પોતાની છેલ્લી પોસ્ટમાં ડેમોક્રેટ્સની મજાક ઉડાવતા ટ્રમ્પે તેમને 'ડમોક્રેટ્સ' (Dumocrats) કહ્યા હતા. તેમણે લખ્યું કે વિપક્ષ ભલે કહે કે ઈરાન મજબૂત થયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અમેરિકા સામે સૈન્ય રીતે હાર્યા બાદ હવે ઈરાન પાસે ન તો કોઈ વાયુસેના બચી છે અને ન તો કોઈ નૌસેના. ટ્રમ્પના આ આક્રમક નિવેદનોએ વૈશ્વિક રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.

આ પણ વાંચો:Pakistanની વૈશ્વિક સ્તરે ફરી થઈ ભારે બદનામી! અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઉડાવી ક્રૂર મજાક, જાણો શું છે વિવાદ

  • Follow us on: