અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારમાં મધ્યસ્થી બનીને પોતાની પીઠ થાબડી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે જોરદાર ઝટકો લાગ્યો છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે (JD Vance) એક ઇન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાનની રાજકીય વ્યવસ્થા અને ત્યાં મીડિયાની આઝાદી ન હોવા અંગે આકરી ટીકા કરી છે, જેના કારણે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની ભારે બદનામી થઈ છે.


પ્રેસ ફ્રીડમ અને ફર્સ્ટ અમેન્ડમેન્ટ જેવી વ્યવસ્થા નથી'

'ઇન્ટરેસ્ટિંગ ટાઇમ્સ વિથ રોસ ડાઉથૈટ' પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે જેડી વેન્સે ખુલાસો કર્યો હતો કે અમેરિકા-ઈરાન કરારના દસ્તાવેજો (MoU) જાહેર કરવામાં વિલંબ કેમ થયો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અમે ઈચ્છતા હતા કે કરારનો આખો ટેક્સ્ટ વહેલી તકે જાહેર થાય જેથી અમેરિકન જનતા તેને વાંચી શકે અને પ્રશ્નો પૂછી શકે. પરંતુ પાકિસ્તાન અને કતાર જેવા દેશોની વ્યવસ્થામાં 'ફર્સ્ટ અમેન્ડમેન્ટ' (અભિવ્યક્તિની સ્વતંત્રતા) અને પ્રેસ ફ્રીડમ જેવી કોઈ વસ્તુ જ નથી."

વેન્સે ઉમેર્યું કે અમેરિકામાં સરકાર જનતાને જવાબદાર હોય છે અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જાહેર કરવાની પરંપરા છે, જ્યારે પાકિસ્તાન જેવા દેશોમાં આવી કોઈ પારદર્શિતા કે રાજકીય સંસ્કૃતિ નથી કે જ્યાં નાગરિકો સરકારને સવાલ પૂછી શકે.

દસ્તાવેજો જાહેર કરવામાં કેમ થયો હતો વિલંબ?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 15 જૂનના રોજ ઈરાન સાથેના કરારની જાહેરાત કરી હતી, પરંતુ તેનો સત્તાવાર ટેક્સ્ટ બે દિવસ પછી જાહેર થયો હતો. આ વિલંબને કારણે અમેરિકામાં વિપક્ષી ડેમોક્રેટિક નેતાઓએ ટ્રમ્પ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા કે ક્યાંક ઈરાનને મોટી છૂટછાટો તો નથી આપવામાં આવી ને? આ વિવાદ વચ્ચે જેડી વેન્સે વિલંબનું ઠીકરું પાકિસ્તાન અને કતારની શાસન પદ્ધતિ પર ફોડ્યું છે.

પાકિસ્તાનની કૂટનીતિક સફળતાના દાવા પોકળ સાબિત થયા

મોટો આંચકો: પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં એક ભવ્ય સત્તાવાર હસ્તાક્ષર સમારોહ યોજાશે, જેને પાકિસ્તાન પોતાની વિદેશ નીતિની મોટી જીત ગણાવી રહ્યું હતું.પરંતુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને ડિજિટલ માધ્યમથી જ કરાર પર સહી કરી દીધી હતી. ત્યારબાદ ઈરાનના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું કે સ્વિટ્ઝર્લેન્ડમાં કોઈ સમારોહ યોજાવાનો નથી. જેડી વેન્સના નિવેદન બાદ ઇન્ટરનેશનલ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પહેલેથી જ પછડાટ ખાઈ રહેલા પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.

આ પણ વાંચો:દુનિયામાંથી ગાયબ થયું 1 અબજ બેરલ તેલ! હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ મોંઘું થઈ શકે છે ક્રૂડ ઓઈલ, જાણો કેમ

  • Follow us on: