ગ્રીસમાં આયોજિત એક એર શો દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ગ્રીક એર ફોર્સનું બે સીટવાળું F-4 ફેન્ટમ ફાઇટર જેટ ક્રેશ થઈ ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ્સના કરુણ મોત નીપજ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફાઇટર જેટ અચાનક નીચે પડતું અને ત્યારબાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટના શો જોવા માટે એકત્રિત થયેલા દર્શકોના વિસ્તારથી માત્ર થોડા જ સો મીટરના અંતરે બની હતી.

એરશો દરમિયાન ફાઇટર જેટ થયું ક્રેશ

આ અકસ્માત એથેન્સની ઉત્તરે આવેલા તાનાગ્રા એર બેઝ પર થયો હતો, જ્યાં એર શો ચાલી રહ્યો હતો. રોઇટર્સ દ્વારા આસપાસના પર્વતો અને માળખાકીય સુવિધાઓના લેઆઉટના આધારે આ સ્થાનની પુષ્ટિ કરવામાં આવી છે. આ દુર્ઘટના એથેન્સ ફ્લાઇંગ વીકનો એક ભાગ હતી, જે એક વાર્ષિક ઉત્સવ છે જેમાં અનેક દેશોની લશ્કરી તથા નાગરિક ઉડ્ડયન ટીમો ભાગ લે છે.
https://twitter.com/BelarusInside/status/2096357743334416805

અકસ્માત બાદ તાત્કાલિક આસપાસનો વિસ્તાર કરાયો ખાલી

અકસ્માત બાદ એર બેઝ પર અફરાતફરી મચી ગઈ હતી અને લાઉડસ્પીકર દ્વારા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા વિનંતી કરવામાં આવી હતી. એર ફોર્સના અધિકારીઓના જણાવ્યા મુજબ, એરબેઝના પરિસરમાં લાગેલી ભીષણ આગને કારણે બચાવ કામગીરીમાં શરૂઆતમાં થોડી અડચણો આવી હતી. આગ પર કાબુ મેળવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 85 ફાયર ફાઇટર્સ, 11 પાણી છોડતા વિમાનો અને હેલિકોપ્ટરોનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો. આ ભગીરથ પ્રયાસો બાદ બંને પાઇલટ્સના મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા.

કાર્યક્રમો કરાયા રદ 

આ ગમગીન ઘટનાને ધ્યાનમાં રાખીને શોના આયોજકો દ્વારા સપ્તાહના અંતે નિર્ધારિત બાકીના તમામ સાંસ્કૃતિક અને ઉડ્ડયન કાર્યક્રમો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યા હતા. એરબેઝની નજીકના વિસ્તારમાં ફેલાયેલી આગને કારણે સ્થાનિક રહેવાસીઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સબંધિત સુરક્ષા અને ઉડ્ડયન એજન્સીઓ દ્વારા આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ તેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ US: કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં ફ્લાઇટ ક્રેશ, 2 લોકોના મોત, 2 ગંભીર રીતે ઘાયલ