મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. 27 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક પેસેન્જર બસ અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકતા 15 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 19 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
શું છે સમગ્ર ઘટના?
સ્થાનિક ફાયર વિભાગના પ્રવક્તા લેઆન્ડ્રો અમાડોએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા 15 લોકોમાં 11 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક રીતે સર્જાયો હતો કે, બસના ફુરચા ઉડી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી, અને તમામ 19 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગાઢ ધુમ્મસ અને જોખમી વળાંકને કારણે સર્જાયો અકસ્માત
આ અકસ્માત સોલોલા વિભાગમાં કિલોમીટર 172 અને 174 ની વચ્ચે સર્જાયો હતો. આ વિસ્તાર તેની ભૌગોલિક સ્થિતિ અને હવામાનને કારણે અત્યંત જોખમી માનવામાં આવે છે. પ્રારંભિક તપાસ મુજબ અકસ્માત સમયે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતું, જેના કારણે ડ્રાઈવરને રસ્તો જોવામાં મુશ્કેલી પડી હતી. ઇન્ટર-અમેરિકન હાઇવેનો આ ભાગ વળાંકો અને ઊંડી ખીણો માટે જાણીતો છે, જ્યાં સામાન્ય ભૂલ પણ જીવલેણ સાબિત થાય છે.
બચાવ કામગીરીના દ્રશ્યો
સોશિયલ મીડિયા પર ફાયર વિભાગ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ દેખાય છે. તસવીરોમાં બચાવકર્મીઓ ખીણમાં ઉતરીને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢતા અને સ્ટ્રેચર દ્વારા ઘાયલોને ઉપર લાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ગ્વાટેમાલામાં અરેરાટી ફેલાવી દીધી છે. સત્તાવાળાઓએ હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકોને સાવચેતી રાખવા અને ધુમ્મસ દરમિયાન ગતિ મર્યાદા જાળવી રાખવા અપીલ કરી છે.