પાલનપુરના ચકચારી હત્યા કેસમાં પોલીસે ઝડપેલા 6 આરોપીઓને જાહેરમાં લાવીને ઢોર માર મારવાની ઘટના હવે વિવાદના વમળમાં ફસાઈ છે. આ મામલે માળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો "માળી સમાજ ઝિંદાબાદ" ના નારા સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. માળી સમાજના અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેઓ પોલીસની કાયદેસરની કાર્યવાહી કે તપાસની વિરુદ્ધમાં નથી, પરંતુ જે પ્રકારે આરોપીઓને રસ્તા પર લાવીને માર મારવામાં આવ્યો છે તે કાયદાનું ઉલ્લંઘન છે.
પોલીસે 6 આરોપીને જાહેરમાં ઢોર માર માર્યો હતો
સમાજનું કહેવું છે કે: આરોપીઓને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, પોલીસનું નહીં. જાહેરમાં માર મારીને પોલીસે માનવ અધિકારો અને કાયદાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. સમાજના લોકોએ એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે, પોલીસ કાયદાના રક્ષક છે ભક્ષક નહીં. ભવિષ્યમાં આ પ્રકારે કોઈ ચોક્કસ સમાજ કે વ્યક્તિને લક્ષ્ય બનાવીને જાહેરમાં અપમાનિત કરવામાં ન આવે તેની તકેદારી રાખવી જોઈએ. હાલમાં આ મામલે પાલનપુર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.













