બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બનેલી યુવકની ઘાતકી હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના રહેવાસી ભરત ચૌધરી નામના યુવકની નિર્મમ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી લાલા મંડોરા સહિત કુલ 6 શખ્સોને દબોચી લીધા છે.
અન્ય આરોપીઓને શોધવા પોલીસની શોધખોળ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ હત્યા પાછળ પૈસાની લેતી-દેતી મુખ્ય કારણ હતું. નાણાકીય વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ ભરત ચૌધરીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડી તેને અંજામ આપ્યો હતો. પાલનપુર પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે.













