સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) - ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણકારો અને ફાઇનાન્સિયલ ટેકનોલોજી કંપનીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે વિશ્વની ટોચની નાણાકીય સંસ્થાઓ અને ટેક જાયન્ટ્સ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ભારતના આર્થિક માળખાને વૈશ્વિક મંચ પર મજબૂત રીતે રજૂ કર્યું છે.
વૈશ્વિક દિગ્ગજો સાથે વ્યૂહાત્મક બેઠકો
ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે યુરોક્લિયર, માર્શ મેક્લેનન, ઇન્વેસ્કો, વિઝા (Visa) અને નાસ્ડેક (Nasdaq) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વરિષ્ઠ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. આ ચર્ચાઓ મુખ્યત્વે ભારતીય મૂડી બજારની પ્રગતિ, આંતરરાષ્ટ્રીય ભંડોળનો પ્રવાહ અને ગિફ્ટ સિટીના 'યુનિફાઇડ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ' પર કેન્દ્રિત હતી.
ટેકનોલોજી અને ડિજિટલ હબ તરીકે ઉભરતું ગિફ્ટ સિટી
ફાઇનાન્સની સાથે સાથે ટેકનોલોજી ક્ષેત્રે પણ ગિફ્ટ સિટીએ પોતાની મજબૂત પકડ દર્શાવી છે. કોગ્નિઝન્ટ, ક્વોલકોમ, વિપ્રો, એરટેલ અને ક્લાઉડફ્લેર જેવી કંપનીઓ સાથેના જોડાણોએ ગિફ્ટ સિટીને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) અને AI-આધારિત પ્લેટફોર્મ્સ માટેના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કર્યું છે.
MD સંજય કૌલનું નિવેદન
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, વૈશ્વિક સંસ્થાઓ હવે ભારતને માત્ર એક માર્કેટ તરીકે નહીં, પણ અત્યાધુનિક ટેકનોલોજી અને ફાઇનાન્સિયલ કામગીરીના બેઝ તરીકે જોઈ રહી છે. દાવોસની આ ચર્ચાઓ ગિફ્ટ સિટીના નિયમનકારી માળખામાં વિશ્વના વધતા વિશ્વાસનું પ્રતીક છે. પ્રથમ વખત WEF માં ભાગ લેતા ગિફ્ટ સિટીએ સાબિત કર્યું છે કે, તે બેંકિંગ, મૂડી બજાર અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાં વૈશ્વિક સ્પર્ધા કરવા માટે સજ્જ છે.
આ પણ વાંચો - World News: દક્ષિણ ચીન સમુદ્રમાં પલટી ગયું જહાજ, બેના મોત, અનેક લોકો ગુમ