દક્ષિણ ચીન સમુદ્રના સૌથી વિવાદિત વિસ્તારમાં એક મોટી જહાજ દુર્ઘટના સર્જાઈ છે. સિંગાપુરના ધ્વજ હેઠળ નોંધાયેલું અને લોખંડના અયસ્ક થી લદાયેલું માલવાહક જહાજ 'એમ/વી ડેવન બે' (M/V Devon Bay) ફિલિપાઇન્સથી ચીન જતી વખતે દરિયામાં પલટી ગયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે ફિલિપીની નાવિકોના મોતના સમાચાર મળ્યા છે, જ્યારે ચાર લોકો હજુ પણ લાપતા છે.


દુર્ઘટના અને બચાવ કામગીરી

જહાજ પર કુલ 21 ફિલિપીની ક્રૂ સભ્યો સવાર હતા. ગુરુવારની રાત્રે જહાજ સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ચીની તટરક્ષક દળ અને નૌકાદળે સંયુક્ત બચાવ અભિયાન હાથ ધર્યું હતું. શુક્રવાર સાંજ સુધીમાં 17 લોકોને દરિયામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવેલા લોકો પૈકી 14 ની હાલત સ્થિર છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેની સારવાર ચાલી રહી છે.

વિવાદિત જળસીમામાં અકસ્માત

આ અકસ્માત સ્કાર્બોરો શોલ થી અંદાજે 100 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર ચીન અને ફિલિપાઇન્સ વચ્ચે વર્ષોથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે. ફિલિપીન્સ આ ક્ષેત્રને 'બાજો દે માસિનલોક' તરીકે ઓળખાવે છે. ભૌગોલિક તણાવ હોવા છતાં, બંને દેશોના કોસ્ટ ગાર્ડે માનવતાના ધોરણે બચાવ કામગીરી માટે જહાજો અને વિમાનો રવાના કર્યા હતા.

ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરાઇ

હાલમાં ચીની સધર્ન થિયેટર કમાન્ડ અને સિંગાપુરની મેરિટાઈમ એન્ડ પોર્ટ ઓથોરિટી (MPA) દ્વારા આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. લાપતા ચાર નાવિકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દક્ષિણ ચીન સાગરના તોફાની મોજાં અને ભૌગોલિક તણાવ નાવિકો માટે કેટલા જોખમી સાબિત થઈ શકે છે.

 આ પણ વાંચોઃ Americaમાં 5 વર્ષના બાળકની અટકાયત, કમલા હેરિસે કહ્યું –'આ ખોટો રસ્તો છે'


  • Follow us on: